MSUની કોમર્સ ફેકલ્ટીમાં પહેલી વખત વડોદરાના વિદ્યાર્થીઓ માટે 58.5 ટકા અને બહારગામના વિદ્યાર્થીઓ માટે 43 ટકાએ પ્રવેશ અટકયો
M S University Vadodara : એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં ધો.12 પાસ કરનારા વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપવાની યુનિવર્સિટી સત્તાધીશોની જીદના કારણે વિચિત્ર સ્થિતિનુ નિર્માણ થયુ છે.
કોમર્સ ફેકલ્ટીએ પ્રવેશના બે રાઉન્ડ બાદ વધુ 737 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. જેના કારણે વડોદરાના જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 58.5 ટકાએ અને સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 43 ટકાએ પ્રવેશ અટકયો છે. કોમર્સના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યુ છે કે, વડોદરાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની ટકાવારી બહારગામના વિદ્યાર્થીઓ કરતા ઉંચી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે, કોમર્સ ફેકલ્ટીએ પહેલા અને બીજા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકો પર બહારગામના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપવાની નીતિ ચાલુ રાખી હોવાથી આ સ્થિતિનું નિર્માણ થયું છે. સત્તાધીશોએ ધારાસભ્યો અને સાંસદ દ્વારા વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે તેવી ગેરંટની પણ એક રીતે મજાક ઉડાવી છે. ટકાવારીના આ આંકડાના કારણે તો સાંસદ અને ધારાસભ્યો પણ વડોદરાના લોકો સમક્ષ હાસ્યાસ્પદ સાબિત થયા છે.
સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોષીનું કહેવું છે કે, વડોદરાના 70 ટકા અને બહારગામના 30 ટકા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સત્તાધીશોની જીદનું પરિણામ હવે વડોદરાના વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. વડોદરાના વિદ્યાર્થીઓને ઉંચી ફી આપીને ખાનગી કોલેજોમાં ભણવાનો વારો આવ્યો છે.