Get The App

૫૪૧૭૧ પક્ષીઓ શહેર નજીકના વઢવાણા તળાવના મહેમાન બન્યા

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
૫૪૧૭૧ પક્ષીઓ શહેર નજીકના વઢવાણા તળાવના મહેમાન બન્યા 1 - image

વડોદરા ઃ વડોદરા નજીક ડભોઈ પાસેના વઢવાણા તળાવની આ વર્ષે ૫૪૧૭૧ પક્ષીઓએ મુલાકાત લીધી છે.ગત વર્ષ કરતા આ વખતે પક્ષીઓની સંખ્યા વધી છે પણ ૨૦૨૨ના વર્ષની સરખામણીએ પક્ષીઓની સંખ્યા ખાસી ઓછી નોંધાઈ છે.૨૦૨૨માં ૯૫૦૦૦ જેટલા પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બન્યા હતા.

રામસર સાઈટનો દરજ્જો પામનાર વઢવાણા તળાવ શિયાળાની સિઝન દરમિયાન પ્રવાસી પક્ષીઓ માટેનુ ફેવરિટ સ્થાન છે.દર  વર્ષે દેશ વિદેશથી હજારોની સંખ્યામાં પક્ષીઓ આકરા શિયાળાથી બચવા માટે વઢવાણા તળાવ ખાતે ધામા નાંખે છે અને પ્રકૃતિ પ્રેમીઓને પક્ષીઓની અલગ અલગ પ્રજાતિઓ જોવાનો લ્હાવો મળે છે.

આ વર્ષે પણ હજારોની સખ્યામાં પક્ષીઓ વઢવાણા તળાવને પોતાનુ કામચલાઉ રહેઠાણ બનાવી ચુકયા છે.તેમાં પણ ગત વર્ષ કરતા આ વર્ષે વઢવાણાની મુલાકાત લેનારા પક્ષીઓની સંખ્યામાં વધારો થયો છે.

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે  આ પક્ષીઓની સસ્ટેનેબલ ઈકોલોજી ફાઉન્ડેશન નામની સંસ્થા તથા બીજી અન્ય સંસ્થાઓના સ્વયંસેવકોની મદદથી તાજેતરમાં વસતી ગણતરી હાથ ધરી હતી.આ ગણતરી પ્રમાણે આ વર્ષે ૧૭૧ પ્રકારની પ્રજાતિઓના ૫૪૧૭૧ પક્ષીઓ વઢવાણા તળાવ ખાતે જોવા મળ્યા છે.

ગણતરી સાથે સંકળાયેલા લોકોના કહેવા પ્રમાણે આ વખતે અગાઉ ભાગ્યે જોવા મળેલા પક્ષીઓ જેમ કે ડેલિકેટ પ્રિનિયા, કોમન વૂડસ્ટ્રિપ, ગ્રેટર ફ્લેમિંગો, રેડ ક્રિસ્ટેડ  પોચાર્ડ અને ઓસ્ટ્રેલિયન સ્ટિલ્ટસ પણ વઢવાણા અને તેની આસપાસ દેખાયા છે.વઢવાણા મૂળ તો સિંચાઈ તળાવ છે અને ૧૦ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલુ છે.અહીંયા છોડવામાં આવતા પાણીના કારણે સપાટીમાં થતા વધારા-ઘટાડાના કારણે પક્ષીઓની  સંખ્યા ઘટી શકે છે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે આ વર્ષે પ્રવાસી પક્ષીઓની સંખ્યા ગત વર્ષ કરતા વધી હોવાથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની ચિંતા થોડી ઘટી છે.

સૌથી વધારે જોવા મળેલા પક્ષીઓની પ્રજાતિ

ગ્રેલેગ ગીસ ૮૭૨૫

કૂટસ ૭૪૬૦

રુડી શેલડક ૬૪૭૦

નોર્ધન પિનટેઈલ ૬૨૫૩

રુફ એન્ડ રીવ્સ ૬૩૨૦

પ્રવાસીઓના રહેવા માટે ૧૮ કોટેજ બનાવાયા 

ફોરેસ્ટ વિભાગ દ્વારા વઢવાણા તળાવને ઈકો ટુરિઝમ સાઈટ તરીકે પ્રમોટ  કરવા માટેના પ્રયાસો શરુ કરાયા છે.જેના ભાગરુપે તળાવની નજીક ૧૮ કોટેજો બનાવાયા છે.છેલ્લા ત્રણ વર્ષમાં ૫૦૦૦ જેટલા પ્રવાસીઓએ કોટેજની સુવિધાનો લાભ લીધો છે.આગામી સમયમાં અહીંયા આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.

પક્ષીઓની વર્ષ પ્રમાણે સંખ્યા

૨૦૨૦ ૮૩૦૦૦

૨૦૨૧ ૬૪૦૦૦

૨૦૨૨ ૯૫૦૦૦

૨૦૨૩ ૫૦૦૦૦

૨૦૨૪ ૫૪૧૭૧


Google NewsGoogle News