વઢવાણા તળાવમાં ફક્ત એક જ દિવસમાં ૧૧૫ પ્રજાતિના ૫૩,૦૦૦ પક્ષીઓ જોવા મળ્યા

જંગલ વિભાગ, એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ એનજીઓના ૯૦ પક્ષીવિદોએ સર્વે કર્યો

Updated: Dec 25th, 2018


Google NewsGoogle News

વડોદરા, તા.૨૫ ડિસેમ્બર,મંગળવારવઢવાણા તળાવમાં ફક્ત એક જ દિવસમાં ૧૧૫ પ્રજાતિના ૫૩,૦૦૦ પક્ષીઓ જોવા મળ્યા 1 - imageવઢવાણા તળાવમાં ફક્ત એક જ દિવસમાં ૧૧૫ પ્રજાતિના ૫૩,૦૦૦ પક્ષીઓ જોવા મળ્યા 2 - image

ઠંડા પ્રદેશમાં બરફનું પ્રમાણ વધી જવાથી પક્ષીઓ ઓક્ટોબર માસથી ભારત આવવાની શરુઆત કરી દે છે. ગુજરાતમાં ખાસ કરીને નારાયણ સરોવર, નળ સરોવર અને વઢવાણા તળાવ પક્ષીઓનું પ્રિય સ્થળ છે. ગત વર્ષે અંદાજે ૪૫ હજાર પક્ષીઓ દેખાયા હતા જેની સરખામણીએ આ વર્ષે વઢવાણા તળાવમાં એક જ દિવસમાં ૧૧૫ પ્રજાતિના ૫૩,૦૦૦ પક્ષીઓ જોવા મળ્યા હતા. 

વડોદરાથી ૪૭ કિમી દૂર આવેલ વઢવાણા તળાવ શિયાળા દરમિયાન વિદેશી તેમજ સ્થાનિક પક્ષીઓનું મનપસંદ સ્થળ બની જાય છે. તા.૨૦ ડિસેમ્બરના રોજ જંગલ વિભાગ, એમ.એસ.યુનિ.ના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ એનજીઓના ૯૦ જેટલા પક્ષીવિદોએ વઢવાણા તળાવના ૧૧ ઝોનમાં સવાર અને સાંજ સર્વે કર્યો હતો. જે મુજબ એક જ દિવસમાં ૫૩,૦૦૦ પક્ષીઓ જોવા મળ્યા હતા. આ વિશે વાત કરતા વન વિભાગના અધિકારી ડો.ધવલ ગઢવીએ જણાવ્યું કે, નળ અને નારાયણ સરોવરમાં પાણી ઓછુ હોવાને કારણે તેમજ વઢવાણા તળાવમાં પાણીનું લેવલ નીચુ હોવાથી પક્ષીઓ સરળતાથી માછલીનો શિકાર કરી શકે છે જેથી આ વર્ષે પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબરથી ફેબુ્રઆરી પક્ષીઓનો જમાવડો હોવાથી માછીમારી પર અમે પ્રતિબંધ લગાવી દઈએ છીએ.

વઢવાણા તળાવમાં ફક્ત એક જ દિવસમાં ૧૧૫ પ્રજાતિના ૫૩,૦૦૦ પક્ષીઓ જોવા મળ્યા 3 - imageઆ વર્ષે યુક્રેન, સાઈબિરીયા, અમેરિકા, રશિયા, લદાખ, કૈલાશ માનસરોવર વગેરે સ્થળોથી મલાડ, ગાજહંસ, રાજહંસ, કાળી ડોક ઢોક, ભગવી સુરખાબ, સારસ, પિયાસણ, ગયણો વગેરે પક્ષીઓ આવ્યા છે. ડો. ધવલે જણાવ્યું કે, અમેરિકાથી આવતુ મલાડ પક્ષી માર્ચ મહિનામાં જોવા મળે છે. પરંતુ પ્રથમવાર બે મલાડ પક્ષીઓ ડિસેમ્બર માસમાં જોવા મળ્યા છે.

લદાખથી સેંકડો કિમીનું અંતર કાપીને આવનાર ગાજહંસ વઢવાણા તળાવની રોનક માનવામાં આવે છે. કારણકે આ પક્ષીઓ હજારોની સંખ્યામાં ચાર મહિના અહીં વસવાટ કરે છે.દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં સ્થળાંતર કરતા પક્ષીઓમાં ગાજહંસનું નામ મોખરે આવે છે. પક્ષીવિદના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ અવાજ ગાજહંસ પક્ષીઓ કરે છે અને આ વર્ષે લગભગ ૧૦થી ૧૫ હજારની સંખ્યામાં તેઓ આવ્યા છે. જેથી તેઓ તળાવમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહે છે. ઉપરાંત લુપ્ત થઈ રહેલ ભારતનું કાળી ડોક ઢોક પક્ષીની મેલ-ફિમેલ જોડી અહીં જોવા મળી રહી છે.


Google NewsGoogle News