ત્રણ પરિણીત પુત્રી અને એક પુત્રનો પિતા ૨૮ વર્ષની યુવતી સાથે ફરાર
પરિવારના સભ્યો દ્વારા શોધખોળ દરમિયાન ઉજ્જૈન બંને મળ્યા પરંતુ બસ સ્ટેન્ડ પરથી બંને ભાગવામાં સફળ રહ્યા
વડોદરા, તા.25 વડોદરા નજીક આવેલા રૃવાંદ ગામનો ત્રણ પરિણીત પુત્રી અને એક પુત્રનો ૫૩ વર્ષનો પિતા ગામમાં રહેતી અપરિણીત ૨૮ વર્ષની યુવતી સાથે ફરાર થઇ જતાં આ અંગે આધેડની પત્નીએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે રુવાંદ ગામે પંચવટી ફળિયામાં રહેતો રસિક હરગોવિંદ વાળંદ કાયાવરોહણ ખાતે દુકાન ધરાવે છે. તેના લગ્ન ભાવના સાથે થયા બાદ તે ત્રણ પુત્રી અને એક પુત્રનો પિતા બન્યો હતો. ત્રણ પુત્રીના લગ્ન થઇ ગયા છે જ્યારે પુત્રના લગ્ન બાકી છે. તા.૧૮ના રોજ સવારે આઠ વાગે રસિક પત્ની ભાવનાને હું કાયાવરોહણ ગામે દુકાન પર જઉં છું તેમ કહી ઘેરથી નીકળ્યો હતો પરંતુ સાંજ સુધી પરત નહી આવતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
દરમિયાન ગામમાં રહેતી ૨૮ વર્ષની અપરિણીત યુવતી હેતલ પઢિયાર પણ ગુમ થઇ હોવાનું જાણવા મળ્યું હતું. રસિક અને હેતલ વચ્ચે સંબંધો હોવાની પરિવારના સભ્યોને આશંકા હોવાથી બંનેની શોધખોળ હાથ ધરતાં રસિક હેતલને લઇને રતલામ ખાતે સંબંધીના ઘેર ગયો હોવાનું જાણવા મળતાં પરિવારના સભ્યો બંનેને શોધી કાઢવા માટે રતલામ ગયા હતા પરંતુ ત્યાં પહોંચ્યા બાદ ખબર પડી હતી કે બંને ઉજ્જૈન ગયા છે.
બંનેને શોધતા પરિવારના સભ્યો ઉજ્જૈન ગયા હતા અને ત્યાં શોધખોળ હાથ ધરી હતી. આ વખતે બસ સ્ટેન્ડ પર રસિક અને હેતલ બંને નજરે પડયા હતાં પરંતુ આ વખતે તકનો લાભ ઉઠાવી રસિક ત્યાંથી હેતલને લઇને ફરાર થઇ ગયો હતો. આ અંગે આખરે રસિકની પત્ની ભાવનાએ વરણામા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.