વડોદરામાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ : કોલેરા, ટાઈફોઇડ, કમળાના રોગથી ચેપી રોગનું દવાખાનું ઉભરાયુ, 53 દર્દી દાખલ
Dirty Water Disease in Vadodara : 'જળ એ જ જીવન'નું રૂપકડું સૂત્ર માત્ર બોલવામાં જ સારું લાગે પરંતુ, શહેરના અનેક વિસ્તારોમાં ગટરના ગંદા દુષિત પાણી લાઈન લીકેજ થવાથી પીવાના પાણીની લાઈન સાથે મિક્સ થઈ જતા હોવાના કારણે પાણીજન્ય રોગચાળાનો ભોગ પ્રજાજનો બની રહ્યા છે. કમળો અને ટાઈફોઇડ, કોલેરા જેવા પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે ત્યારે કારેલીબાગના ચેપી રોગના દવાખાનામાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં લાઈન લીકેજના કારણે પીવાના પાણીની લાઈનમાં ગટરના ગંદા પાણી મિક્સ થઈ જતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આવા ગંદા પાણી પીવાની સ્થાનિક રહીશોને ફરજ પડે છે.
પરિણામે પાણીજન્ય ટાઈફોઇડ, કોલેરા અને કમળા જેવા રોગના અનેક કેસ આવા વિસ્તારોમાં ઘરે ઘરે જોવા મળે છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ નિરાકરણ નહીં થતું હોવાનો સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે. પીવાના પાણીની લાઈન સાથે ગટરના ગંદા પાણી મિક્સ થતાં જે તે વિસ્તારના સ્થાનિક રહીશોને આવા ગંદા પાણી પીવાની નોબત આવે છે. પરિણામે પાણીજન્ય રોગચાળાની દહેશત તેમને સતત સતાવી રહે છે કેટલાક વિસ્તારોમાં તો આવા રોગચાળાથી બચવા લોકો પીવાનું પાણી ઉકાળીને પીવે છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીજન્ય રોગ કમળો, કોલેરા અને ટાઈફોઇડના ઘરે ઘરે ખાટલા મંડાયા છે, ત્યારે કારેલીબાગ સ્થિત ચેપી રોગના દવાખાનામાં આવા અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ચેપી રોગના દવાખાનામાં જુદા જુદા ચેપી રોગના હાલ ૫૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.