75 મીટર રીંગરોડમાં વડોદરા કોર્પોરેશનની હદમાંથી પસાર થતા રસ્તાના ખર્ચનો રૂ.52.24 કરોડ હિસ્સો વુડાને ચુકવાશે
વડોદરા,તા.14 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરા શહેરની આસપાસના વિકાસ માટે 75 મીટર પહોળાઈનો રીંગરોડ બનાવવાનું આયોજન વડોદરા કોર્પોરેશન અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વડોદરા કોર્પોરેશનને રૂ.52.24 કરોડ નો ખર્ચ આવશે જે રકમ વુડામાં ભરપાઈ કરવા સ્થાયી સમિતિમાં કમિશનરે દરખાસ્ત રજૂ કરી હતી જેને ગઈકાલે મળેલી બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.
વડોદરા શહેરને ફરતો ઇનર અને આઉટર રીંગરોડ છે તે ઉપરાંત હાઈવે નો બાયપાસ પણ વાહનો માટે કાર્યરત છે આ ઉપરાંત વડોદરા શહેરના વિકાસને ધ્યાનમાં રાખી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એ સંયુક્ત રીતે ટ્રાફિકની સમસ્યા હલ કરવા વધારાનો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો 75 મીટર નો આઉટર રીંગરોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી માં વડોદરા કોર્પોરેશન વિસ્તારમાંથી 8.24 કિલોમીટર લંબાઈ નો રસ્તો પસાર થવાનો છે આ રસ્તા માટે નો ખર્ચ 104.49 કરોડ થવાનો છે જેમાં નક્કી થયા મુજબ 50% રકમ વુડા અને બીજી 50% રકમ વડોદરા કોર્પોરેશન ભોગવશે જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કોર્પોરેશનનો 50% રકમ 52.24 કરોડનો હિસ્સો વુડામાં જમા કરાવવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત વધારાના કામ તરીકે રજૂ કરી હતી જેને સ્થાયી સમિતિએ તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે.