વડોદરામાં શાંતિપૂર્ણ મતદાન માટે 5000 થી વધુ પોલીસ જવાનો અને અર્ધ લશ્કરી દળો તૈનાત

Updated: May 6th, 2024


Google NewsGoogle News
વડોદરામાં શાંતિપૂર્ણ મતદાન માટે 5000 થી વધુ પોલીસ જવાનો અને અર્ધ લશ્કરી દળો તૈનાત 1 - image

વડોદરાઃ વડોદરામાં આવતીકાલે શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે શહેર પોલીસ સજ્જ થઇ ગઇ છે અને તમામ મતદાન મથકો તેમજ સંવેદનશિલ સ્થળોએ પ હજાર થી વધુ પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં આવતીકાલે તા.૭મીએ લોકસભાની ૨૬ બેઠકો માટે મતદાન થનાર હોવાથી વડોદરા લોકસભા બેઠક પર પણ અર્ધ લશ્કરી દળો સહિતનો જંગી પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે.પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ બંદોબસ્તનું નિરીક્ષણ કર્યું હતું.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે, આવતીકાલે તમામ મતદાન મથકો તેમજ અન્ય સંવેદનશિલ સ્થળોએ ૧૮૦૦ પોલીસ જવાનો અને ૧૭૦૦ હોમગાર્ડ જવાનો બંદોબસ્ત જાળવશે.આ ઉપરાંત ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ટ્રાફિક પર ધ્યાન આપશે.જ્યારે મતદાન મથકોએ અર્ધ લશ્કરી દળોના જવાનો ફરજ  બજાવશે.

કોઇ પણ મતદાન મથકે અનિચ્છનિય બનાવ ના બને તે માટે તમામ પોલીસ સ્ટેશનોમાં ક્વિક રિસ્પોન્સ ટીમ અને લો એન્ડ ઓર્ડરની ટીમ તૈયાર રાખવામાં આવી છે.જ્યારે,સીસીટીવી કેમેરા તેમજ વીડિયો ગ્રાફરોની ટીમો મારફતે પણ સ્થિતિ પર નજર રાખવામાં આવશે.કોઇ પણ વ્યક્તિ મતદાન અટકે તેવા પ્રયાસો કરશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે.

ચૂંટણીને અનુલક્ષીને શહેરમાં ૧૦,૮૦૦ લોકોની અટકાયત

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસે અત્યાર સુધીમાં ૧૦,૮૦૦ લોકો સામે અટકાયતી પગલાં લીધા છે.

પોલીસ કમિશનરે કહ્યું હતું કે,ચૂંટણી જાહેર થઇ ત્યારથી ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં વિવિધ ગુનાઇત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય તેવા તત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

જ્યારે,દારૃ તેમજ અન્ય માથાભારે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય તેવા ૩૬ હિસ્ટ્રિશિટર્સ તેમજ બૂટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલવામાં આવ્યા છે.


Google NewsGoogle News