ઓનલાઇન ઠગોની ચુંગાલમાં 500 થી વધુ ફસાયાની આશંકા,બે ડાયરીમાં હિસાબો
ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગના સાગરીતોની ચુંગાલમાં ૫૦૦ થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.જેથી પોલીસે તેમના એકાઉન્ટ તેમજ મોબાઇલની કોલ્સ ડીટેલની તપાસ શરૃ કરી છે.
સમા વિસ્તારમાં રહેતી અમી નામની મહિલાને ઓનલાઇન ટાસ્ક કરવાના નામે ઘેર બેઠા રૃ.૩ હજાર સુધીની આવક મેળવવાની લાલચ આપી ઠગ ટોળકીએ રૃ.૮ લાખ પડાવ્યા હતા.પરંતુ તેની સામે તેમને કોઇ રકમ નહિં મળતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.
સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયાએ કહ્યું હતું કે,યુડી ગારમેન્ટના એકાઉન્ટ તેમજ ટેલિગ્રામ આઇડીની તપાસ કર્યા બાદ અમે અમદાવાદ અને દિલ્હીથી તપાસ કરી કુલ પાંચ આરોપીને ઝડપી પાડયા હતા.પોલીસે તેમની પાસેથી નવ મોબાઇલ કબજે કર્યા હતા.
પોલીસે આરોપીઓને બે ડાયરી કબજે કરી છે.જેમાં હિસાબો અને અન્ય વિગતોનો ઉલ્લેખ હોવાથી પોલીસ તેની તપાસ કરી રહી છે.ઉપરોક્ત ગેંગના પકડાયેલા સાગરીતો માત્ર મહોરા હોવાથી તેમની સાથે સંકળાયેલા અન્ય સાગરીતો અને મુખ્ય સૂત્રધારની તપાસ કરવામાં આવી રહી છે.આ ગેંગના નેવટર્કમાં ૫૦૦ થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે.