જીકાસના અણઘડ આયોજનના કારણે સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં 50 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા ના આપી શક્યા
M S University Vadodara : જીકાસ પોર્ટલના અણઘડ આયોજનના કારણે એમ.એસ.યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત સોશ્યલ વર્ક ફેકલ્ટીમાં સેંકડો વિદ્યાર્થીઓ એમ.એસ.ડબલ્યુ (માસ્ટર ઓફ સોશ્યલ વર્ક) અને એમ.એચ.આર.એમ( માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ)ની પ્રવેશ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા છે.
ફેકલ્ટીના પૂર્વ સેનેટ સભ્ય કપિલ જોશીનું કહેવું છે કે, એમ.એસ.ડબલ્યુની પરીક્ષા માટે 919 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ અને તેમાંથી 438 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નથી. કારણકે કેટલાક વિદ્યાર્થીઓને તો પરીક્ષાના દિવસે જ જાણ થઈ હતી. આજ રીતે એમ.એચ.આર.એમ કોર્સમાં 1035 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને માત્ર 392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
પૂર્વ સેનેટ સભ્યનું કહેવું છે કે, આ બંને પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 જૂન હતી અને તા.16 જૂને પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવેશ પરીક્ષા માત્ર ચાર જ દિવસના સમયમાં લેવાઈ ગઈ હતી. તેની જાહેરાત પણ માત્ર જીકાસ પોર્ટલ પર જ કરવામાં આવી હતી અને તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા છે.
તેમણે કહ્યું હતું કે, આ પરીક્ષા ફરી લેવાવી જોઈએ. જીકાસ પોર્ટલના અણઘડ આયોજનના કારણે પહેલી વખત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નથી. ઉપરાંત સોશિયલ વર્ક ફેકલ્ટીમાં પરીક્ષા એવી રીતે અગાઉ લેવાતી હતી કે જેમને માસ્ટરમાં પ્રવેશ ના મળે તે વિદ્યાર્થીઓ પાસે બીજા ડિપ્લોમા કોર્સમાં પ્રવેશની વિચારણાનો વિકલ્પ રહેતો હતો. પણ જીકાસના કારણે પરીક્ષાનું આયોજન એવી રીતે થયું છે કે, ડિપ્લોમા કોર્સની પસંદગીનો અવકાશ પણ વિદ્યાર્થીઓને મળ્યો નથી. હવે જેમને સોશિયલ વર્કનો અભ્યાસ કરવો છે તેમને ખાનગી કોલેજોમાં મોંઘીદાટ ફી ભરીને ભણવું પડશે.