વડોદરાના મૂલ્યાંકન કેન્દ્રો પર ધો.૧૦ અને ૧૨ની ૫૦ ટકા ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ
વડોદરાઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવાનુ કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે.મળતી વિગતો પ્રમાણે વડોદરામાં ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સની ઉત્તરવહીઓ તપાસવાની ૫૦ ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે અને ધો.૧૨ સાયન્સની ૩૦ ટકા જેટલી ઉત્તરવહીઓ તપાસાઈ ગઈ હોવાનુ સૂત્રોનુ કહેવુ છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં ઉત્તરવહીઓ તપાસવા માટે ધો.૧૦ના ૮, ધો.૧૨ કોમર્સના ૪ અને ધો.૧૨ સાયન્સના ૩ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.સૂત્રોનુ કહેવુ છે કે, ધો.૧૦ના એક કેન્દ્ર પર સરેરાશ ૨૦૦૦૦, કોમર્સના એક કેન્દ્ર પર ૧૫૦૦૦ અને સાયન્સના દરેક કેન્દ્ર પર સરેરાશ ૧૦૦૦૦ ઉત્તરવહીઓ મોકલવામાં આવી છે.
ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી તા.૧૬ થી જ શરુ થઈ ગઈ હતી અને સાયન્સની ઉત્તરવહીઓ તપાસવાનુ ત્રણ દિવસ પહેલા શરુ કરવામાં આવ્યુ હતુ.ધો.૧૦ અને ધો.૧૨ કોમર્સની ૫૦ ટકા ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે.જ્યારે સાયન્સની ૩૦ ટકા ઉત્તરવહીઓ અત્યાર સુધીમાં તપાસવામાં આવી છે.એક અંદાજ પ્રમાણે વડોદરામાં ૧.૨૦ લાખ ઉત્તરવહીઓ તપાસાઈ ચુકી છે.મૂલ્યાંકન કેન્દ્રો પર ઉત્તરવહીઓ તપાસવા માટે શિક્ષકોની પણ ૮૦ ટકાથી વધુ હાજરી છે.
એવુ મનાઈ રહ્યુ છે કે, એપ્રિલ મહિનાના પહેલા સપ્તાહમાં વડોદરામાં તમામ ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણ થઈ જશે અને બોર્ડને ઉત્તરવહીઓ પાછી પણ મોકલી દેવાશે.ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતે બોર્ડ દ્વારા પરિણામ વહેલુ જાહેર કરવા માટેની કવાયત શરુ કરવામાં આવી છે અને તેના કારણે આ વખતે ઉત્તરવહીઓની ચકાસણી દર વર્ષ કરતા વહેલી શરુ કરી દેવાઈ છે.