દિવાળી વેકેશનમાં ફરવા જનારા લોકોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો
વડોદરાઃ ઉનાળા વેકેશનની જેમ દિવાળી વેકેશનમાં પણ સામાન્ય રીતે બહારગામ ફરવા જવા માટે લોકોનો ભારે ધસારો રહેતો હોય છે.જોકે આ વર્ષે શહેરની ટુર એન્ડ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી માટે દિવાળીની સિઝન ફિક્કી રહી છે.
આ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા બે સંગઠનો વડોદરા ટ્રાવેલ એજન્ટસ એસોસિએશન અને ટુર્સ એન્ડ ટ્રાવેલ એસોસિએશન ઓફ વડોદરાના પ્રમુખનું કહેવું છે કે, ગત વર્ષ કરતા આ વખતે દિવાળી વેકેશનમાં ફરવા જનારાઓની સંખ્યામાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.તેની પાછળનું કારણ મુખ્યત્વે તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરમાં લોકોને થયેલું ભારે નુકસાન જવાબદાર છે.સાથે સાથે દિવાળી પહેલા ફ્લાઈટ અને ટ્રેનની ટિકિટોની મગજમારી પણ કારણભૂત બની છે.
ટ્રેનની રિઝર્વેશનની ટિકિટો તો ઉપલબ્ધ હોતી જ નથી.જ્યારે એરલાઈન્સે દિવાળી પહેલા જ ટિકિટોના ભાવમાં બે થી ત્રણ ગણો વધારો કરી દીધો હતો.જેમ કે અમદાવાદથી શ્રીનગરની એર ટિકિટનો વન વે ભાવ ૧૫૦૦૦ રુપિયા હતો.સામાન્ય રીતે વન વે ટિકિટ ૫૦૦૦ રુપિયાની આસપાસમાં મળતી હોય છે.આ ભાવ વધારાની અસર પણ જોવા મળી છે.
આ વખતે જે લોકો ફરવા ગયા છે તેમાંથી પણ મોટાભાગનાએ ત્રણ થી ચાર દિવસની ટુરો વધારે પસંદ કરી છે.જેના કારણે કચ્છ, સોમનાથ, દ્વારકા, ઉદેપુર, કુંભલગઢ, મહાબળેશ્વર, ગોવા જેવા સ્થળોએ જનારાની સંખ્યા વધારે છે.લાંબા અંતરની ટુરોમાં કાશ્મીર અને કેરાલા ફેવરિટ રહ્યા છે.કાશ્મીરમાં શાંતિ સ્થપાયા બાદ લોકોમાં કાશ્મીરનો ક્રેઝ વધ્યો છે.મનાલી અને શિમલા જનારા લોકોમા થોડો ઘટાડો જોવા મળ્યો છે.
પર્યટન સ્થળોએ ઘણી હોટલોના રુમ ખાલી
વડોદરા ટ્રાવેલ એજન્ટસ એસોસિએશનના પ્રમુખ મનિષ શાહનું કહેવું છે કે, સામાન્ય રીતે દિવાળી વેકેશનના ૧૦ દિવસ સુધી ફરવા જવાની સિઝન રહેતી હોય છે.આ વખતે તો જાણીતા પર્યટન સ્થળો પર હોટલોનો રુમ ઉપલબ્ધ છે અને કેટલીક જગ્યાએ તો હોટલો સારુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે.લોકોને તકલીફ ફ્લાઈટની ટિકિટોના ઉંચા ભાવ અને રેલવેની ટિકિટો નહીં મળતી હોવાના કારણે પડી રહી છે.
ત્રણ થી ચાર દિવસના ટુર પેકેજ વધારે પસંદ થાય છે
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન ઓફ વડોદરાના પ્રમુખ મનિષ શાહના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ફરવા જનારા લોકોની સંખ્યા ઘટવા પાછળનું એક કારણ તાજેતરમાં આવેલું પૂર પણ છે.પૂરમાં થયેલા નુકસાનના કારણે ઘણા લોકોએ એક વર્ષ ફરવા જવાનું માંડી વાળ્યું છે.જે લોકો બહારગામ જઈ રહ્યા છે તેમાંથી પણ મોટાભાગના ત્રણ થી ચાર દિવસનુ પેકેજ પસંદ કરી રહ્યા છે.