સિમકાર્ડ બંધ કરાવ્યું પણ બેન્ક એકાઉન્ટનો રજિસ્ટર્ડ નંબર બંધ નહિં કરતાં રૃ.5.11 લાખ ઉપડી ગયા
વડોદરાઃ સમા વિસ્તારની એક મહિલાએ સિમકાર્ડ બંધ કરાવ્યું પણ તેના બેન્ક સાથેનો રજિસ્ટર્ડ નંબર નહિં બદલતાં તેના ખાતામાંથી રૃ.૫.૧૧ લાખ ઉપડી ગયા છે.મહિલાનું બંધ સિમકાર્ડ કંપનીએ જેને ફાળવ્યું તે યુવકે બેન્ક ખાતામાંથી રકમ વગે કરતાં પોલીસે તેને ઝડપી પાડયો છે.
ભાયલીના એવરેસ્ટ આઇકોનમાં રહેતા માધુરીબેન ઠક્કરે ફ્રિજ માટે લોન લઇ યુનિયન બેન્કનો નંબર આપ્યો હતો.પરંતુ જુલાઇ-૨૦૨૩માં પહેલો હપ્તો બાઉન્સ થતાં તેમણે તપાસ કરી હતી.જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી કોઇ ટ્રાન્ઝેક્શન નહિં થયા હોવાથી ખાતું બંધ થયું હોવાનું કહેવાયું હતું.
દરમિયાનમાં મહિલાએ ખાતું શરૃ કરાવી એટીએમ માટે અરજી કરી હતી.પરંતુ તા.૪ નવેમ્બરે પણ તેમનો હપ્તો બાઉન્સ થતાં તેમણે બેન્કમાં તપાસ કરી હતી.જે દરમિયાન તેમના ખાતામાંથી યુપીઆઇ મારફરતે ટ્રાન્ઝેક્શનો કરીને રૃ.૫.૧૧ લાખ ઉપડી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી.
વધુ તપાસ કરતાં મહિલાએ બેન્ક્ ખાતા સાથે રજિસ્ટર્ડ કરાવેલો મોબાઇલ નંબર બંધ કરાવ્યો હતો પરંતુ બેન્કમાં આ નંબર બંધ કર્યો હોવાની જાણ નહિં કરતાં કંપનીએ રાજકોટના રૈયારોડ વિસ્તારમાં રહેતા આકાશ ધીરજલાલ ગોદવાલીને નંબર ફાળવ્યો હતો અને તેણે બેન્ક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખૂલી હતી.જેથી સાયબર સેલે આકાશને ઝડપી પાડયો છે.
બેન્કના મેસેજો મળતાં લાભ લઇ લીધો, સગીરવયની ફ્રેન્ડને લઇ બેન્કમાં આવ્યો હતો
આકાશે નવું સિમકાર્ડ ચાલુ કરતાં જ તેને ભાવતું મળી ગયું હતું અને બેન્કના મેસેજો જોઇ તેણે વડોદરાની મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરવા માંડી હતી.
વાસણારોડની યુનિયન બેન્કમાં ખાતું ધરાવતા માધુરીબેને બેન્ક એકાઉન્ટમાં રજિસ્ટર્ડ કરાવેલું સિમકાર્ડ બંધ કરાવતાં મોબાઇલ કંપનીએ આ સિમકાર્ડ રાજકોટના આકાશને ફાળવ્યું હતું.આકાશે સિમ શરૃ કરતાં જ બેન્કના મેસેજો મળવા માંડયા હતા.જેથી તેણે મહિલાના બેન્ક ખાતા સાથે જોડાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરી એક સપ્તાહમાં ૧૬ ટ્રાન્ઝેક્શન કર્યા હતા.
આકાશે ત્યારબાદ સગીર વયની ફ્રેન્ડનો પણ ઉપયોગ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.તે સગીરાને લઇ બેન્કમાં આવ્યો હતો અને એટીએમ કાર્ડ માટે એન્ટ્રી કરી હતી.પરંતુ બેન્કના કર્મચારીએ તેને સિમકાર્ડ આપ્યું નહતું.
વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે આવી જ રીતે 47 લાખની ઠગાઇ થઇ હતી
બેન્કમાં રજિસ્ટર્ડ કરાવેલો મોબાઇલ નંબર બંધ કરાવ્યો હોવા છતાં બેન્કને જાણ કર્યા વગર વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે પણ રૃ.૪૭ લાખની છેતરપિંડી થઇ હતી.
વાસણારોડ વિસ્તારમાં રહેતા પ્રો.એન કે પટેલ વર્ષ-૨૦૧૮માં વિદેશ ગયા હતા અને કોવિડને કારણે ત્યાં રોકાઇ ગયા હતા.તેમણે બેન્ક સાથેના મોબાઇલનું સિમકાર્ડ બંધ કરાવ્યું હતું.પરંતુ બેન્કમાંથી આ નંબર ડિલિટ કરાવ્યો નહતો.
પરિણામે બંધ સિમકાર્ડ ધંધુકાના એક યુવકને એલોટ કરવામાં આવ્યું હતું.આ યુવકને બેન્કના મેસેજો મળતાં તેણે અન્ય બે મિત્રો સાથે તપાસ કરાવી નિવૃત્ત પ્રોફેસરના બેન્ક એકાઉન્ટમાંથી રૃ.૪૭લાખ ટ્રાન્સફર કરી લીધા હતા.આ બનાવમાં સાયબર સેલના પીઆઇ બી એન પટેલ અને ટીમે ધંધુકાના ચિરાગ ચાવડા,વિજય મકવાણા અને એક સગીરને પકડયા હતા.