હિન્દુસ્તાન યુનિલિવરની ફ્રેન્ચાઇઝીના નામે મહિલા દુકાનદાર પાસે 5.36 લાખ પડાવી લીધા
વડોદરાઃ ઓનલાઇન ઠગો દ્વારા જાતજાતની તરકિબો અપનાવવામાં આવતી હોય છે.વડોદરાની એક મહિલા દુકાનદારને હિન્દુ સ્તાન યુનિલિવરની ફ્રેન્ચાઇઝી આપવાના નામે ઠગોએ રૃ.૫.૩૬ લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો બનતાં સાયબર સેલે તપાસ હાથ ધરી છે.
સુભાનપુરાના સૌરભપાર્ક વિસ્તારમાં રહેતા અને કપડાંનો વેપાર કરતા કોમલબેન રોનકે પોલીસને કહ્યું છે કે,અમે વ્યસાયનો વિકાસ કરવા માટે જુદીજુદી કંપનીો સાથે સંપર્કમાં રહેતા હોઇએ છીએ.ગઇ તા.૨૭મી માર્ચે મારા પર એક મેલ આવ્યો હતો અને હિન્દુસ્તાન યુનિલિવર કંપની સાથે જોડાવા ઓફર કરવામાં આવી હતી.
ત્યારબાદ તા.૨જી એપ્રિલે મારા પતિના મોબાઇલ પર ઇન્વેસ્ટમેન્ટ,જગ્યા,રેન્ટ જેવી માહિતી માંગવામાં આવી હતી.તા.૫મીએ ફરી ફોન આવ્યો હતો અને અમન ગુપ્તાએ રજિસ્ટ્રેશન ફી પેટે રૃ.૩૫૦૦૦ ની માંગણી કરી ફ્રેન્ચાઇઝી આપવાની વાત કરતાં અમે રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.આ રકમ મળતાં જ તેમણે લાઇસન્સ પેટે રૃ.૪૮૫૦૦ માંગતા તે પણ ચૂકવ્યા હતા.
મહિલાએ કહ્યું છે કે,ત્યારબાદ રાજ મલ્હોત્રા નામની વ્યક્તિએ એગ્રીમેન્ટ મોકલ્યો હતો અને તેના માટે રૃ.૧.૪૪ લાખ ભરવા કહ્યું હતું.આ રકમ ભરપાઇ કર્યા બાદ પ્રોડક્ટની કુલ રૃ.પ લાખની રકમમાં ૨.૫૮ લાખ ખૂટતા હોઇ તે મંગાવ્યા હતા.આમ અમે કુલ રૃ.૫.૩૬ લાખ ચૂકવી દીધા હતા.પરંતુ ફ્રેન્ચાઇઝી મળી નહતી અને રૃપિયા પણ પરત મળ્યા નહતા.જેથી સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
મુંબઇની ઓફિસે પહોંચ્યા તો જાણવા મળ્યું કે અમન ગુપ્તા કોઇ છે જ નહિ
હિન્દુસ્તાન યુનિલિવરની ફ્રેન્ચાઇઝીના નામે અમન ગુપ્તા વાતચીત કરતો હોવાથી અને વારંવાર રૃપિયાની માંગણી કરતો હોવાથી મહિલા દુકાનદાર તેના પતિ સાથે મુંબઇની હિન્દુસ્તાન યુનિલિવરની ઓફિસે પહોંચી હતી અને અમન ગુપ્તાને ફોન કરતાં તેણે બે-ત્રણ કલાકમાં આવું છું તેમ કહ્યું હતું.પરંતુ તે આવ્યો જ નહતો.વળી, સિક્યુરિટી ગાર્ડે પતિ-પત્નીને અંદર જવા દીધા નહતા અને તપાસ કરતાં અમન ગુપ્તા નામની કોઇ જ વ્યક્તિ કામ નહિ કરતી હોવાનું જાણવા મળ્યું હતું.