તમારા SBI એકાઉન્ટમાં પોઇન્ટ રીડીમ કરો..તેમ કહી સિનિયર સિટિઝન સાથે 5 લાખની ઠગાઇ
ડાઉનલોડ કરતાં જ રૃ.૪૯૯૯૭ ઉપડી ગયા,રકમ પરત આપવાના નામે વધુ રૃપિયા પડાવ્યા
વડોદરાઃ શહેરમાં ઓનલાઇન ઠગો દ્વારા છેતરપિંડીના રોજે રોજ બનાવો બનતા હોવા છતાં બેન્ક ખાતેદારો સાથે ઠગાઇના બનાવો જારી રહ્યા છે.દાંડિયાબજાર વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા સિનિયર સિટિઝને આવી જ રીતે રૃ.૫.૪૭ લાખ ગુમાવ્યા છે.
સંતોષભાઇએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૮મીએ મને એક મેસેજ આવ્યો હતો.જેમાં એસબીઆઇના નેટ બેન્કિંગના ૮૪૫૪ પોઇન્ટ રીડીમ કરવા માટે કહેવાયું હતું.ઠગોએ મોકલેલી લિન્ક પર ક્લિક કરી આઇડી,પાસવર્ડ અને ઓટીપી નાંખતા મારા ખાતામાંથી રૃ.૪૯૯૯૭ ટ્રાન્સફર થઇ ગયા હતા.
થોડીવાર બાદ આ રકમ પરત કરવા માટે ફરીથી ઓટીપી માંગવામાં આવ્યો હતો.ઠગોએ એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી ઓપ્શન પર ક્લિક કરાવ્યા બાદ ઓટીપી માંગતા મે ઇનકાર કર્યો હતો.આમ છતાં મારા ખાતામાંથી જુદાજુદા વ્યવહારો મારફતે કુલ રૃ.૫.૪૭ લાખ ઉપડી ગયા હતા.
ઉપરોક્ત બનાવમાં ઠગોએ એક જ દિવસમાં એક ડઝન જેટલા ટ્રાન્ઝેક્શન કરી રૃપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.સાયબર સેલે આ ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સિનિયર સિટિઝને બચવાનો ઘણો પ્રયાસ કર્યો,છતાં ઠગો ફાવ્યા
સિનિયર સિટિઝનને તેમની સાથે ફ્રોડ થઇ રહ્યો હોવાની શંકા જતા તેમણે ઓટીપી આપવાનો ઇનકાર કર્યો હતો.આ ઉપરાંત તેમણે એમ પણ પૂછ્યું હતું કે,રાતે આઠ વાગે બેન્કમાંથી કેવી રીતે વાત થઇ શકે.મારું એકાઉન્ટ તાત્કાલિક બ્લોક કરો.પરંતુ ઠગોએ એસબીઆઇના મુંબઇના ક્લિયરિંગ હાઉસમાંથી વાત કરીએ છીએ તેમ કહી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી.