વડોદરામાં ગણેશ વિસર્જનના મુખ્ય કૃત્રિમ તળાવ પાસેથી મગર પકડાયો, બે યુવક થાંભલે ચડી ગયા
Vadodara Crocodile Rescue : વડોદરા શહેરમાં મગરો જ્યાં ફાવે ત્યાં ફરી રહ્યા છે. હવે વડોદરાના ગણપતિ વિસર્જનના મુખ્ય કૃત્રિમ તળાવ પાસે પાંચ ફૂટનો મગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
મગરની નગરી બની ગયેલા વડોદરામાં રોજેરોજ રહેણાંક વિસ્તારોમાંથી મગરો મળી આવવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં 50 જેટલા મગરોનું ફોરેસ્ટ વિભાગ અને જીવ દયા કાર્યકરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ત્રણ દિવસ પહેલા વડોદરાના સૌથી વધુ વાહન વ્યવહારથી ધમધમતા કાલાઘોડા પાસે જાહેરમાં 10 ફૂટનો મગર આવી જતા ટ્રાફિકજામ થઈ ગયો હતો. તે પહેલા ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે એક મકાનના દરવાજા પાસે 15 ફૂટનો સૌથી મોટો મગર આવી જતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
દરમિયાન વડોદરાનું વહીવટી તંત્ર ગણપતિ વિસર્જન માટે તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે મુખ્ય કૃત્રિમ તળાવ નવલખી ખાતે આજે વહેલી સવારે એક મગર આવી જતા તળાવ નજીક લાઈટોનું કામ કરી રહેલા બે યુવકો થાંભલે ચડી ગયા હતા. જીવ દયા કાર્યકરોને જાણ કરાતા તેમણે મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.