ઓનલાઇન ઠગોએ શેરમાર્કેટમાં ઉંચા વળતરની લોભામણી ઓફરમાં સિનિયર સિટિઝન પાસે 48 લાખ પડાવ્યા
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇ કરતી ગેંગ દ્વારા શેર માર્કેટમાં સ્યોર ટિપ્સના નામે છેતરપિંડી કરવામાં આવી રહી હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.જેથી સાયબર સેલ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ પર ઉંચા વળતરની વાતોમાં નહિં આવવા અપીલ કરી છે.
મકરપુરા ડેપો સામે રહેતા સતિષભાઇ ગુપ્તાએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૯મી ઓક્ટોબરે મારા મોબાઇલ પર અંકિતના નામે ફોન આવ્યો હતો.અંકિતે પોતે શેરબજારમાં એક્સપર્ટ હોવાનું કહી ટિપ્સ આપી ઉંચુ વળતર અપાવશે તેવી વાત કરી હતી.તેણે ૨૨ ટકા કમિશન માંગ્યું હતું અને ત્યારબાદ બેન્ક નિફ્ટીની ટિપ પણ આપી હતી.જે મુજબ રોકાણ કરતાં રૃ.૧૨ હજારનો ફાયદો થયો હતો.
ત્યારબાદ તેણે બીજી ટિપ્સ આપતાં રૃ.૮૪ હજારનું નુકસાન થયું હતું.પરંતુ ત્યારબાદ ફરી થી ટિપ્સ આપતાં રૃ.૧.૨૪ લાખનો ફાયદો થયો હતો.પરંતુ તે પછી અંકિતે તેના ઉપરી દિપકભાઇ સાથે વાત કરવાનું કહ્યું હતું.દિપકભાઇએ મુંબઇના દલાલ સ્ટ્રીટમાં શિવાલીક બ્રોકરેજના નામે ઓફિસ ધરાવતા મયુરભાઇનો સંપર્ક કરાવ્યો હતો.મયુરભાઇએ મારી પાસે ડોક્યુમેન્ટ મંગાવી રૃ.૨૫ હજારના રોકાણમાં રૃ.૧ લાખની લિમિટ વાળું એકાઉન્ટ ખોલાવ્યું હતું.
સતિષભાઇએ કહ્યું છે કે,અમારે દર શનિવારે હિસાબ કરવાનો હતો.આરોપીઓએ ફર્મ ઉભી કરી નફા-નુકસાનના આંકડા બતાવી મારી પાસેથી કુલ રૃ.૪૮.૩૨ લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા.તેઓ વધુ રકમ માંગી રહ્યા હોવાથી ફ્રોડ થયાની શંકા ગઇ હતી.જેથી સાયબર સેલને જાણ કરી હતી