૪૫૭ વાહન ચાલકો ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પકડાયા
પ્રતિબંધિત સમયમાં શહેરમા દોડતા ૧૫ ભારદારી વાહનો સામે કાર્યવાહી
વડોદરા,ટ્રાફિક પોલીસ દ્વારા રાખવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન શહેરમાં પ્રતિબંધિત સમય દરમિયાન દોડતા ૧૫ ભારદારી વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. અઠવાડિયા અગાઉ પણ ટ્રાફિક પોલીસે આ અંગે ડ્રાઇવ રાખી હતી.
ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં દોડતા ભારદારી વાહનો સામે એક સપ્તાહ પહેલા ડ્રાઇવ રાખવામાં આવી હતી. તે સમયે પણ ટ્રાફિક પોલીસ દ્વારા ભારદારી વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. તેમછતાંય શહેરમાં ભારદારી વાહનો દોડતા હોવાનું ડીસીપી ટ્રાફિક જ્યોતિ પટેલના ધ્યાને આવ્યું હતું. જેથી, કાર્યવાહી કરવા માટે સૂચના આપતા ૧૫ ભારદારી વાહનો ડિટેન કર્યા હતા. જ્યારે ઓવર સ્પીડમાં દોડતા વાહનો અંગે ટ્રાફિક પોલીસે રાખેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન અકોટા દાંડિયા બજાર બ્રિજ, ફતેગંજ રોડ, એલ એન્ડ ટી રોડ, વી.આઇ.પી.રોડ, અટલ બ્રિજ તથા અલકાપુરી રોડ સહિતના પોઇન્ટ પર લેઝર સ્પીડ ગનનો ઉપયોગ કરી કુલ ૪૫૭ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.