જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસમાં ૪૪૧૦.૯૪ કરોડનું ચૂકવણું
સરકારનાસરકારના વિવિધ વિભાગો દ્વારા માર્ચ માસમાં ૯૮૯૫ બિલો રજૂ કરાયા ઃ સૌથી વધારે પાવર સેક્ટર માટે પેમેન્ટ
વડોદરા, તા.1 વર્ષ ૨૦૨૩-૨૪હિસાબી વર્ષના અંતિમ મહિનામાં વડોદરા જિલ્લા તિજોરી કચેરી દ્વારા કુલ રૃા.૪૪૧૦.૯૪ કરોડની ચૂકવણી વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા બિલો, સબસિડી તેમજ ગ્રાંટ પેટે કરવામાં આવી છે. સૌથી વધારે ચૂકવણી પાવર સેક્ટર માટે જીયુવીએનએલને કરાઇ છે.
વડોદરા તિજોરી કચેરી દ્વારા માર્ચ માસની કુલ ચૂકવણીમાં રૃા.૩૦૭૪.૨૯ કરોડ માત્ર જીયુવીએનએલની ખેડૂત, સોલાર, ફ્યૂઅલ પ્રાઇઝ અને વેસ્ટ લેન્ડને લગતી સબસિડી પેટે અપાયેલી રકમનો સમાવેશ કરાયો છે. જિલ્લા તિજોરી અધિકારી ગીતાબેન ગાવીતે જણાવ્યું હતું કે આ ઉપરાંત જીજીઆરસી ગુજરાત સરકારની માલિકીની કંપનીને રૃા.૩૧૩.૮૫ કરોડ, આરોગ્ય વિભાગને રૃા.૧૦૨.૬૦ કરોડ ચૂકવવામાં આવ્યા છે. જ્યારે પોલીસ વિભાગને રૃા.૪૯.૨૮ કરોડ, આઇટીઆઇને રૃા.૯.૧૧ કરોડ તેમજ અન્ય વિભાગોને રૃા.૮૬૧.૮૧ કરોડ અપાયા હતાં.
નાણાંકિય વર્ષના અંતિમ માસમાં કુલ ૯૮૯૫ બિલો સરકારના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયા હતાં જેની સામે આ ચૂકવણી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૪ના નાણાંકીય અંતિમ માર્ચ માસમાં જિલ્લા તિજોરી કચેરીને સ્ટેમ્પ ડયૂટી તેમજ અન્ય વેરા સહિત કુલ રૃા.૧૭૦૬.૧૩ કરોડની આવક થઇ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા તિજોરી કચેરી દ્વારા માર્ચ એન્ડિંગમાં જિલ્લા પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગો દ્વારા રજૂ કરવામાં આવેલા બિલો સામે પેમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં આ વિભાગો દ્વારા રજૂ કરાયેલ લેટર ઓફ ક્રેડિટથી રૃા.૧૧૭.૪૪ કરોડની ચૂકવણી થઇ હતી.