બોડેલી પાસેની કેનાલમાં એસટી બસ ખાબકતા ૪૪ વિદ્યાર્થીઓ ડૂબ્યા હતાં
મધ્ય ગુજરાતમાં બીજી મોટી ઘટના ઃ બોડેલી બાદ વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓ ડૂબ્યા
વડોદરા, તા.18 મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી નજીક નર્મદા મેઇન કેનાલમાં વર્ષ-૨૦૦૮માં પણ શાળાના વિદ્યાર્થીઓ ભરેલી એક એસટી બસ ખાબકતા તે સમયે ૪૪ માસૂમ બાળકોના કરૃણ મોત નિપજ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે તા.૧૬ એપ્રિલ ૨૦૦૮માં બોડેલી નજીકની નર્મદા કેનાલમાં આ દુર્ઘટના બની હતી. સવારે વિવિધ ગામોમાંથી શાળાના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે બોડેલી તરફ એસટી બસમાં બેસી જતા હતા ત્યારે બોડેલી મેઇન કેનાલની રેલિંગ તોડીને બસ કેનાલમાં ખાબકી હતી અને શાળાના માસૂમ બાળકો અંદર ડૂબી ગયા હતાં. આ ઘટનાને પગલે સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ દોડતી થઇ ગઇ હતી.
તે સમયે બોડેલીનો વડોદરા જિલ્લામાં સમાવેશ થતો હતો બાદમાં વડોદરા જિલ્લાનું વિભાજન થતા બોડેલી છોટાઉદેપુર જિલ્લામાં હાલ છે. બોડેલી કેનાલની આ કરૃણ ઘટનામાં ૪ બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના બાદ મધ્ય ગુજરાતમાં શાળાના બાળકો ડૂબી જવાની બીજી મોટી ઘટના બની છે. બોડેલી ઘટનાના ૧૫ વર્ષ બાદ વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા તળાવમાં શાળાના બાળકો જે બોટમાં બોટિંગ કરતાં હતા તે બોટ પલટી ખાતા ૧૨ માસૂમ બાળકો અને એક શિક્ષિકા તેમજ એક સુપરવાઇઝરનું કરૃણ મોત નિપજ્યું છે.