૪૩.૨ ડિગ્રી જેટલી તીવ્ર ગરમીમાં વડોદરા અગનભઠ્ઠીમાં ફેરવાયું
સવારથી જ ગરમ પવનોની અસર ઃ બપોરે ધોમધખતા તાપમાં રસ્તાઓ પર ઓછી અવરજવર
વડોદરા, તા.18 વડોદરા મે માસમાં ફરી વખત અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. આજે તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પણ વટાવી જતાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ લોકો કરી રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે મે માસના પ્રારંભ સાથે ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી પણ વધારે મોટાભાગનો દિવસોમાં નોધાયો છે. છેલ્લા બે દિવસથી ૪૨ ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન નોધાય છે. સવારથી જ ગરમ પવનોને કારણે રોડ પર વાહનોની હાજરી ઓછી જણાતી હોય છે. બપોરે તો સમગ્ર શહેર અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું હતું.
હવામાનખાતાની આગાહી મુજબ આજે ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમીનો પારો વડોદરામાં ૪૩ ડિગ્રીથી વધી ૪૩.૨ ડિગ્રી નોંધાયો હતો. હવામાનખાતાના જણાવ્યા મુજબ આજે ગરમીમાં એક ડિગ્રીનો વધારો થયો હતો. ન્યૂનત્તમ તાપમાન પણ ૩૦.૬ ડિગ્રી રહેતાં રાત્રિના સમયે પણ લોકો તીવ્ર ગરમી અનુભવતા હતાં. ઉત્તર-પશ્ચિમના ૧૦ કિ.મી. ગરમ પવનોએ લોકોને વધુ ગરમીનો અહેસાસ કરાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ હજી બે દિવસ સુધી ગરમીનો પારો ઉંચો રહેશે.