Get The App

સરદાર સરોવર ડેમમાંથી 42943 ક્યુસેક પાણી છોડાયું : કાંઠાના ગામોના લોકોને સાવચેત કરાયા

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
સરદાર સરોવર ડેમમાંથી 42943 ક્યુસેક પાણી છોડાયું : કાંઠાના ગામોના લોકોને સાવચેત કરાયા 1 - image

Image : Filephoto

Sardar Sarovar Dam : ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના પગલે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં એકધારો વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમનું જળસ્તર ચેતવણીસ્તરે પહોંચ્યા બાદ તંત્ર દ્વારા ડેમના રિવર બેડ પાવર હાઉસ શરૂ કરી નદીમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી 42943 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. આ સાથે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ચોમાસાની ઋતુ દરમિયાન કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના પગલે ડેમની જળ સપાટી ખૂબ ઝડપથી વધી રહી છે. નર્મદા જળ સંસાધનના જણાવ્યા પ્રમાણે, હાલ જળાશયની સપાટી 132.60 મીટર પહોંચી ગઈ છે. જળાશયનો કુલ સંગ્રહ 80% જે ચેતવણી સ્તર છે ત્યાં સુધી પહોંચી ગયો છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા આજે સવારે 9:15 કલાકે ડેમમાંથી 42943 ક્યુસેક પાણીનો જથ્થો રિવર બેડ પાવર હાઉસ દ્વારા નદીમાં છોડવામાં આવી રહ્યો છે. ઉપરવાસમાં થઈ રહેલા વરસાદ અને હાલ ડેમની જળ સપાટીને ધ્યાનમાં લઈને તંત્રએ આ નિર્ણય લીધો છે. નર્મદા ડેમમાંથી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા તેના કાંઠા વિસ્તારોમાં ઝડપથી પાણીની સપાટી વધી રહી છે. જેથી તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સ્થળાંતર કરવાનું શરૂ કરી દીધું છે અને કોઈ જોખમરૂપ ગતિ વિધિ ન થાય તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ ડેમની જળ સપાટી 132.60 મીટર જેમાં 7567 એમસીએમ સાથે 80% ક્ષમતા સાથેનું પાણી સંગ્રહ થયું છે. ડેમનું સંપૂર્ણ જળસ્તરની સપાટી 138.68 મીટર જેમાં પાણીની સંગ્રહ ક્ષમતા 9460 એમસીએમ છે. ઉપરવાસમાં થતા વરસાદને ધ્યાનમાં લઇ ડેમમાંથી પાણી છોડવાનું યથાવત રાખવાનો અને બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવશે.

આ પણ વાંચો : ઢાઢર અને નર્મદા નદીના હેઠવાસના 61 ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના


Google NewsGoogle News