42 વર્ષ પહેલાં પ્રથમ રથયાત્રામાં 11 કિલો શીરો બન્યો હતો, હવે 35 હજાર કિલો બને છે
ભગવાન જે રથમાં નગરચર્યાએ નીકળે છે તે 42 વર્ષ પહેલાં અમદાવાદથી લવાયો હતો, મહાપ્રસાદ પણ 42 વર્ષથી એક જ વ્યક્તિ તૈયાર કરે છે
વડોદરા : રવિવારે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ઇસ્કોન દ્વારા યોજાતી આ રથયાત્રા ૪૩મી રથયાત્રા છે. ૪૨ વર્ષ પહેલાં ૧૯૮૨માં પ્રથમ રથયાત્રા નીકળી ત્યારે માંડ ૫૦૦ ભક્તો યાત્રામાં જોડાયા હતા, હવે સ્થિતિ એવી છે કે લાખો શ્રધ્ધાળુઓ જોડાય છે. ' તેમ ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિરના મહંત સ્વામી શ્રી નિત્યાનંદજીએ કહ્યું હતું.
વડોદરામાં રથયાત્રાના ઇતિહાસને યાદ કરતા નિત્યાંનંદજીએ ઉમેર્યું હતું કે '૧૧ જુલાઇ ૧૯૮૨ના રોજ પ્રથમ રથયાત્રા યોજાઇ હતી. બપોરે અઢી વાગ્યે તત્કાલીન મેયર જતીનભાઇ મોદીએ પહિંદ વિધી કરીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. હાલમાં જે રૃટ છે તે રૃટ ઉપર જ રથયાત્રા પસાર થઇ હતી. સ્ટેશન વિસ્તારમાંથી યાત્રાનો પ્રારંભ થયો ત્યારે ૫૦૦ જેટલા ભક્તો હતા, પણ રથયાત્રાની પૂર્ણાહુતિ થઇ ત્યારે માત્ર મંદિરના સાધુ-સન્યાસીઓ જ રહ્યા હતા. રથ પણ અમદાવાદ મંદિરથી લાવવામાં આવ્યો હતો અને ૪૨ વર્ષથી એ રથ ઉપર જ ભગવાન નગરચર્યા કરે છે.
પ્રથમ રથયાત્રામાં ભક્તો પોતાની સાથે ભગવાનને ધરાવવા પ્રસાદ પણ લાવ્યા હતા. મંદિર તરફથી ત્યારે ૧૧ કિલો શીરાનો મહાપ્રસાદ તૈયાર કરાયો હતો અને લાડુનું વિતરણ કરાયું હતું. હવે તો હજારો કિલો પ્રસાદ બને છે. રવિવારે યોજાનાર રથયાત્રા માટે ૩૫ ટન (૫૩ હજાર કિલો) શીરો બનશે. ઉપરાંત,૨૦ ટન કેળાં અને જાંબુનું પણ વિતરણ કરવામાં આવશે. પ્રથમ રથયાત્રાથી આજ સુધી એટલે કે ૪૨ વર્ષથી ગોપાલભાઇ શાહ જ શીરાનો પ્રસાદ તૈયાર કરે છે.
રથયાત્રાનો રૃટ
રેલવે સ્ટેશનથી ૨.૩૦ વાગ્યે પ્રારંભ
કાલાઘોડા
સલાટવાડા નાકા
કોઠી કચેરી
રાવપુરા
જ્યુબિલીબાગ
પદ્માવતી શોપિંગ સેન્ટર
સુરસાગર
દાંડિયાબજાર
માર્કેટ ચાર રસ્તાથી ન્યાય મંદિર
મદનઝાંપા રોડ
કેવડા બાગ
પોલોગ્રાઉન્ડ રાત્રે ૮ વાગ્યે સમાપન