વડોદરામાં 5 વર્ષમાં 419 સ્કૂલોએ પ્રવાસ માટે મંજૂરી માંગી, DEO કચેરીના જવાબ પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા
વડોદરા,તા.27 જાન્યુઆરી 2024,શનિવાર
વડોદરાના હરણી ખાતેના લેક ઝોનમાં સજોયેલી બોટ હોનારતમાં શહેરની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર બાળકો અને બે શિક્ષકો મોતને ભેટયા હતા. આ હોનારતના પગલે એવી પણ વિગતો સપાટી પર આવી હતી કે, સ્કૂલ દ્વારા આ પ્રવાસ માટે ડીઈઓ કચેરીની પરવાનગી નહીં માંગીને નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. એ પછી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ડીઈઓ કચેરીમાં રજૂઆત કરીને છેલ્લા પાંચ વર્ષમાં પ્રવાસ માટેની પરવાનગી લેનાર સ્કૂલોની જાણકારી માંગવામાં આવી હતી.
શહેર કોંગ્રેસ પ્રમુખનુ કહેવુ છે કે, ડીઈઓ કચેરી દ્વારા જે જાણકારી પૂરી પાડવામાં આવી છે તે પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં 419 પ્રવાસ માટે શાળાઓએ પરવાનગી માંગી છે. સાથે સાથે ડીઈઓ કચેરી દ્વારા એવુ કહીને હાથ ખંખેરી નાંખવામાં આવ્યા છે કે, પરવાનગી વગર કોઈ સ્કૂલોએ પ્રવાસ કર્યો હોય તેવુ ડીઈઓ કચેરીના ધ્યાનમાં આવ્યુ નથી. એટલા માટે આવી સ્કૂલો સામે કાર્યવાહી કરવાનો સવાલ ઉભો થતો નથી.
શહેર કોંગ્રેસ પ્રમુખનુ કહેવુ છે કે, કચેરીનો આ જવાબ પણ ખોટો છે. કારણકે વડોદરા શહેરમાં 500 જેટલી સ્કૂલો છે અને દરેક સ્કૂલ દ્વારા અત્યાર સુધી પ્રવાસનુ આયોજન કરાતુ હતુ ત્યારે પાંચ વર્ષમાં પરવાનગી વગર કોઈ સ્કૂલ પ્રવાસે ના ગઈ હોય તેવુ માન્યામાં આવે તેમ નથી. ડીઈઓ કચેરીએ માત્ર પરવાનગીનો આંકડો આપ્યો છે પણ કઈ સ્કૂલોએ ક્યાં પ્રવાસ યોજ્યા હતા અને કયા ધોરણના વિદ્યાર્થીઓ પ્રવાસે ગયા હતા તેની કોઈ જાણકારી આપી નથી. જે દર્શાવે છે કે, ડીઈઓ કચેરીને સરકારના કાયદા લાગુ કરવામાં રસ નથી. ખરેખર તો સરકારે ડીઈઓ કચેરી સામે પણ કાર્યવાહી કરવી જોઈએ.