યુનિ.માં પીએચડી માટેની ૫૨૮ બેઠકો સામે ૪૦૪ ઉમેદવારો ક્વોલિફાઈડ થયા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં પીએચડીની ૫૨૮ બેઠકો માટે ઉમેદવારોએ ભરેલા ફોર્મની અને બીજા દસ્તાવેજોની ચકાસણી પૂરી થઈ છે.પીએચડી કરવા માટે ૧૫૦૦ કરતા વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને ચકાસણી બાદ ૪૦૪ જેટલા ઉમેદવારો વિવિધ ફેકલ્ટીમાં પ્રાથમિક તબક્કે પીએચડી કરવા માટે ક્વોલિફાઈડ થયા છે.
હવે આ ઉમેદવારો દ્વારા તા.૨૪ સુધી દરેક ફેકલ્ટીની એડમિશન કમિટિ સમક્ષ પ્રેઝન્ટેશન હાથ ધરવામાં આવશે.૨૫ ઓક્ટોબરે મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને એ પછી તા.૧૮ નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ફી ભરવાની સાથે સાથે તા.૨૬ ઓકટોબરથી તા.૨૬ નવેમ્બર સુધી રિસર્ચ ટોપિકની પસંદગી કરશે.
સૂત્રોનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે પીએચડી કરવા માટે લાયક ઉમેદવારોની સંખ્યા ૪૦૪ છે. એ પછી પ્રેઝન્ટેશનમાં પણ કેટલાક ઉમેદવારોને રિજેકટ કરવામાં આવે તેવું બની શકે છે.તા.૧૮ નવેમ્બર સુધી ફી ભરી શકાશે.એડમિશનની કાર્યવાહી પૂરી થશે ત્યાં સુધીમાં ૨૦૦ જેટલી બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.
આ વખતે પીએચડીના એડમિશનની કાર્યવાહીમાં અનામત બેઠકો રાખવાના નિયમનો અમલ થાય તેનુ ધ્યાન રખાઈ રહ્યું છે.જે અનુસાર એસસી માટે ૭ ટકા, એસટી માટે ૧૫ ટકા, ઓબીસી માટે ૨૭ ટકા તેમજ ઈડબલ્યુએસ કેટેગરી માટે ૧૦ ટકા અને દિવ્યાંગો માટે ૫ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે.આ તમામ બેઠકો પૂરેપૂરી ભરાય તેવી શક્યતાઓ પણ ઓછી છે.