કેનેડામાં કાયમી વસવાટ કરી આપવાના નામે આણંદના દંપતી પાસે 40 લાખ પડાવ્યા
વડોદરાઃ આણંદના જિમ સંચાલક અને તેની પત્નીને કેનેડામાં કાયમી ધોરણે વસવાટ કરી આપવાના નામે બોગલ ઓફર લેટર સહિતના ડોક્યુમેન્ટ બનાવી રૃ.૪૦ લાખ ઉપરાંતની છેતરપિંડી થતાં પોલીસે અમદાવાદ અને વડોદરાની ઇમિગ્રેશન એજન્સીના ચાર સંચાલક સામે ગુનો નોંધ્યો છે.
વલ્લભવિધાનગર ખાતે મહીવાસમાં કર્મ બંગ્લોઝ ખાતે રહેતા અને જિમ ધરાવતા ચિરાગ પટેલે પોલીસને કહ્યું છે કે,કેનેડામાં રહેતા મારા પરિચિત મારફતે ફેબુ્રઆરી-૨૦૨૨માં વડોદરાના અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ ખાતે કૈલાસ કોમ્પ્લેક્સમાં આર એમ ઇમિગ્રેશન નામની ઓફિસ ધરાવતા રોનક સુનિલકુમાર શાહ (મીરા સોસાયટી,હરણી રોડ) અને તેના પાર્ટનર મિત વિમલકુમાર પાઠક(આદિત્ય હાઇટ્સ,ગુરૃકુલ પાસે, વાઘોડિયા રોડ)નો સંપર્ક થયો હતો.
બંને પાર્ટનરે ૬૫ હજાર કેનેડિયન ડોલરમાં મને અને મારી પત્નીને કાયમી સેટ કરી આપવાની ખાતરી આપી ડોક્યુમેન્ટ લીધા હતા.આ માટે કેનેડિયન ડોલરનું પેમેન્ટ અમદાવાદના યુસીઆઇ ઇમિગ્રેશનના સંચાલક ગૌરવ રમેશભાઇ પટેલ (અક્ષર પ્રથમ, ગોતા, અમદાવાદ) અને કૌશલ પટેલ(મૂળ વડોદરા, હાલ કેનેડા)ને આપવા કહ્યું હતું.જેથી માંડમાંડ વ્યવસ્થા કરી ડોલર તેમજ રૃપિયા મળી કુલ રૃ.૪૦ લાખથી વધુ રકમ ચૂકવી હતી.
ચિરાગભાઇએ કહ્યું છે કે,મારી પત્નીના નામે નોમિનેશન લેટર અને જોબ ઓફર લેટર આવ્યા હતા.પરંતુ અમને મોકલવામાં નહિં આવતા હોવાથી તપાસ કરાવતાં ઉપરોક્ત એજન્સી પાસે ઇમિગ્રેશનનું લાયસન્સ નહિં હોવાની અને અમારી ફાઇલ બે વર્ષ માટે બેન થઇ ગઇ હોવાની માહિતી મળી હતી.જેથી ગોત્રી પોલીસે ચારેય સંચાલકો સામે ગુનો નોંધ્યો છે.
કેનેડા જવા માટે કાર વેચી,દાગીના ગીરે મૂક્યા અને પરિચિતો પાસે ઉછીના લીધા
આણંદના ચિરાગ પટેલે પોલીસને કહ્યું છે કે,કેનેડા જવા માટે એજન્ટોના કહેવા મુજબ વારંવાર રૃપિયા ચૂકવ્યા હતા.કેનેડામાં રહેતા પરિચિત પાસે ૩૦ હજાર કેનેડિયન ડોલર ચૂકવ્યા હતા.જ્યારે,મારી કાર વેચી હતી અને પત્નીના દાગીના ગીરે મૂકી લોન લીધી હતી.આ ઉપરાંત પરિચિતો પાસે પણ ઉછીના રૃપિયા લઇ દેવું કર્યું હતું.