વડોદરામાં ગરમીની સિઝનમાં પ્રથમ વખત પારો ૪૦ ડિગ્રી નોંધાયો
પશ્ચિમ દિશાના ગરમ પવનોના કારણે ગરમીમાં એકાએક વધારો
વડોદરા, તા.27 વડોદરામાં પ્રથમ વખત ગરમીનો પારો ૪૦ ડિગ્રીને ક્રોસ કરી જતાં શહેરીજનોએ ઉગ્ર ગરમીનો અહેસાસ આજે કર્યો હતો. ગરમ પવનોના કારણે ગરમીનું પ્રમાણ વધ્યું હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે માર્ચ માસમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર થયો ન હતો. માર્ચ માસમાં સૌથી વધારે ૩૮ ડિગ્રી ગરમી નોધાઇ હતી. જ્યારે તે પહેલાંના વર્ષો એટલે કે વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨માં માર્ચ માસમાં જ ગરમી ૪૦ ડિગ્રીથી વધુ નોંધાઇ હતી. એક વર્ષના ગાળા બાદ આ વર્ષે પણ ગરમી ૪૦ ડિગ્રી માર્ચ માસમાં ક્રોસ કરી ગઇ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે ગરમીમાં ૧ ડિગ્રીનો વધારો થતાં મેક્સિમમ ૪૦.૪ ડિગ્રી જ્યારે મિનિમમ ૨૩.૪ ડિગ્રી નોધાઇ હતી. પશ્ચિમના પાંચ કિલોમીટરની ઝડપના ગરમ પવનોએ ગરમીનો અહેસાસ લોકોને વધારે કરાયો હતો.