અત્યાર સુધીમાં ૪૦ ગ્રાહકોએ સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાવવા અરજી કરી
વડોદરાઃ વડોદરામાં લોકોએ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લગાવાતા સ્માર્ટ મીટર સામે આંદોલન શરુ કર્યા બાદ વીજ કંપની દ્વારા અત્યાર સુધીમાં અલગ અલગ ૪૦ જેટલા જોડાણો પર સ્માર્ટ મીટરની સાથે સાથે ચેક મીટર લગાવવામાં આવ્યા છે.
વીજ કંપનીના સૂત્રોના કહેવા પ્રમાણે વીજ કંપનીઓને સ્માર્ટ મીટરો સામે આંદોલન શરુ થયા બાદ અત્યાર સુધીમાં ૪૦ જેટલા ગ્રાહકો પાસેથી સ્માર્ટ મીટરની સાથે ચેક મીટર લગાવવા માટે અરજી મળી હતી.જેના પગલે અલકાપુરી, અકોટા, ગોરવા, પાદરા જેવા વિસ્તારોમાં આ મીટરો લગાવવામાં આવ્યા છે.જેથી ગ્રાહકો ચેક મીટરની સાથે સ્માર્ટ મીટરની સરખામણી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ મીટર સામે વડોદરામાં થયેલા ભારે વિરોધ બાદ વીજ કંપનીના સત્તાધીશોએ જાહેરાત કરી હતી કે, હવે કોઈના ઘરે બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર નહીં લગાવાય.સાથે સાથે સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવતુ હોવાની લોકોની શંકા દૂર થાય તે માટે જે પણ ગ્રાહક પોતાના સ્માર્ટ મીટર સાથે ચેક મીટર લગાવવા ઈચ્છે તેને ત્યાં વીજ કંપની ચેક મીટર લગાવશે.
સાથે સાથે વીજ કંપનીના સૂત્રોએ કહ્યુ હતુ કે, એકાદ મહિનામાં સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરુ થશે.અત્યારે સરકારી વિભાગો દ્વારા સ્માર્ટ મીટર લગાવતા પહેલા એડવાન્સ પેમેન્ટ કરવા માટે સરકારની મંજૂરી માંગવામાં આવી છે.કારણકે સરકારમાં તો એડવાન્સ પેમેન્ટનો રિવાજ હોતો નથી અને સ્માર્ટ મીટરમાં પહેલા રિચાર્જ કરાવવાનુ હોય છે.એટલે સરકારી કંપનીઓએ પોતાના નિયમમાં ફેરફાર કરવો પડશે.
આ મંજૂરી મળી ગયા બાદ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટરો લગાવવાનુ શરુ થશે.સમગ્ર મધ્ય ગુજરાતમાં ૨૬૦૦૦ જેટલા સરકારી વીજ કચેરીઓના જોડાણો પર સ્માર્ટ મીટરની સાથે સાથે ચેક મીટર પણ મૂકવાનુ આયોજન છે.આ કામગીરી એક વર્ષની અંદર પૂરી કરાશે.