શહેરના ૪ હજાર ઉપરાંત ડોક્ટરોે એક દિવસની હડતાળ પર ઉતરશે
કોલેજોમાં ચુસ્ત સુરક્ષા તેમજ મેડિકલ પ્રેક્ટિશનર્સ માટે સેન્ટ્રલ લો ની માંગણી
વડોદરા,શહેરના ૪ હજાર ઉપરાંત ડોક્ટરો આજે એક દિવસની હડતાળ પાડશે. તેઓ માત્ર ઇમરજન્સી સારવાર કરશે. પ્લાન્ડ સર્જરી બંધ રાખશે.
કોલકાત્તાના કેસના વિરોધમાં આવતીકાલે શહેરના તમામ ખાનગી પ્રેક્ટિસ કરતા તમામ ડોક્ટરો પણ એક દિવસની હડતાળમાં જોડાશે. તેઓ ઇમરજન્સી સિવાયના દર્દીઓની સારવાર કરે નહીં. શહેરમાં અંદાજે ૯૬૦ હોસ્પિટલો છે. તેમજ ૩,૬૦૦ ડોક્ટરો છે. આવતીકાલની હડતાળમાં તેઓ પણ જોડાશે. આ ઉપરાંત ડેન્ટલ એસોસિએશનના ૫૦૦ ડેન્ટલ સર્જન પણ આવતીકાલે હોસ્પિટલ બંધ રાખશે. પ્લાન્ડ સર્જરીઓ બંધ રહેશે. માત્ર ઇમરજન્સી કેસમાં સારવાર આપવામાં આવશે. તેઓની મુખ્ય માંગણીઓમાં સૌ પ્રથમ માંગણી યુવતીને ન્યાય મળે તે છે. તેમજ મેડિકલ કોલેજોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા, મેડિકલ પ્રેકિટશનર્સ માટે સેન્ટ્રલ લો ની છે. રાજ્યમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ માટે વર્ષ ૨૦૧૨ માં કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ, તે કાયદા હેઠળ હજી સુધી કોઇને સજા થઇ નથી. તેમજ પોલીસ પણ તેની કલમ લગાવતી નથી.