વડોદરાથી રામ ભક્તોએ શરૂ કરી અયોધ્યા સુધી પદયાત્રા
- 31 જાન્યુઆરી આસપાસ અયોધ્યા પહોંચી રામ લલ્લાના દર્શન કરશે
વડોદરા,તા.1 જાન્યુઆરી 2024,સોમવાર
વડોદરાથી ચાર રામ ભક્ત આજે સવારે અયોધ્યા ચાલતા જવા રવાના થયા છે. ગજાનંદ સાઈ સમર્થ પદયાત્રા સંઘ-તરસાલીના નેજા હેઠળ નીકળેલા આ રામ ભક્તો રોજનું આશરે 40 કિલોમીટર ચાલશે અને તારીખ 31 જાન્યુઆરીની આસપાસ અયોધ્યા પહોંચશે, અને ત્યાં રામલલ્લાના દર્શન કરશે. વડોદરા થી અયોધ્યા સુધીનું અંતર આશરે 1160 કિલોમીટર થાય છે.
આ પદયાત્રામાં પંકજ પાટીલ(45), વિષ્ણુ પંચાલ(52), હરીશ સોલંકી(52) અને વિજય મહારાજ(40) જોડાયા છે, એક રામભક્ત હવે પછી જોડાશે તેમ જાણવા મળ્યું છે. આ ચારેય પદયાત્રી શહેરના જુદા જુદા વિસ્તારમાંથી એક સ્થળે ભેગા થયા હતા અને ત્યાંથી રવાના થયા હતા. આજે બપોરે તેઓ હાલોલ મછલીપુરા પહોંચી ગયા હતા. તેઓ હાલોલ, ગોધરા, દાહોદ, ઉજ્જૈન રૂટ પર આગળ વધશે. ઉજ્જૈનમાં દર્શન કરીને ઝાંસીના રૂટ પર આગળ વધશે અને ત્યાંથી અયોધ્યા તરફ પ્રયાણ કરશે. એ પછીનો રૂટ અમે જોયો નથી પરંતુ રામ ભરોસે પહોંચી જઈશું એમ કહી આ પદયાત્રી પૈકી પંકજ પાટીલ કહે છે અમે બધા નિયમિત ચાલનારા છીએ એટલે કોઈ વાંધો નહીં આવે. 500 વર્ષ પછી રામ મંદિરનું સ્વપ્ન સાકાર થતું હોય અને સરકારે પણ એક સાહસ સિદ્ધ કરી બતાવ્યું છે ત્યારે અમે પણ આ સાહસ કરવા માગતા હતા અને રામલલ્લાના દર્શન પદયાત્રા દ્વારા કરવાનું નક્કી કર્યું હતું.