ગેરકાયદે રેતીખનન અને ઓવરલોડ વાહનો સાથે ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત
ડેસર તાલુકાના વાલાવાવ પાસે ઓવરલોડ કપચી ભરેલું ડમ્પર ઝડપાયું ઃ એક ડઝન ડમ્પરો અને જેસીબી કબજે કરાયા
વડોદરા, તા.11 વડોદરા જિલ્લામાં રેતી, માટી અને કપચીના ગેરકાયદે ખનન તેમજ સ્ટોરેજ અને ઓવરલોડિંગને ઝડપી પાડવા માટે ખાણખનિજખાતા દ્વારા વ્યાપક દરોડા પાડીને કરજણ, ડભોઇ અને ડેસર તાલુકામાં આશરે ચાર કરોડ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે ડભોઇ તાલુકાના ભીમપુરા-કરણેટ ખાતેથી ઓરસંગ નદીમાંથી ગેરકાયદે રેતીખનન થાય છે તેવી માહિતીના આધારે ખાણખનિજવિભાગ દ્વારા દરોડો પાડવામાં આવતાં રેતીનું ગેરકાયદે ખનન કરતાં ત્રણ ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આ ઉપરાંત નજીકમાં જ ગેરકાયદે સ્ટોરેજ પણ મળ્યું હતું. ખાણખનિજખાતાએ એક જેસીબી, ૩ ડમ્પરો સહિત કુલ રૃા.૫૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત ડેસર તાલુકાના જૂનાશિહોરા પાસે પણ ટ્રેક્ટરો અને ડમ્પરોમાં મોટાપાયે થતાં રેતીખનન અંગે દરોડો પાડી તપાસ હાથ ધરતાં ગેરકાયદે રેતીખનન કરતાં કેટલાંક તત્વો પોતાના વાહનો લઇને નાસી ગયા હતાં. આ સ્થળેથી રેતી ભરેલું એક ડમ્પર પણ કબજે કરવામાં આવ્યું હતું જ્યારે ડેસર તાલુકામાં વાલાવાવ ખાતે પણ કપચી ભરીને જતા એક ડમ્પરને રોકતા પ્રાથમિક નજરે તે ઓવરલોડ જણાયું હતું જેથી તેનું વજન કરાવતા તેમાં ક્ષમતા કરતા વધારે કપચી ભરેલી હોવાનું જણાતા કપચી ભરેલું ડમ્પર કબજે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કરજણ તાલુકામાં દેલવાડા તેમજ અન્ય સ્થળે પણ તપાસ હાથ ધરતાં ગેરકાયદે રેતીખનન ઝડપાયું હતું. તંત્ર દ્વારા એક ડઝનથી વધુ ડમ્પરો, જેસીબી સહિતનો મુદ્દામાલ ઓવરલોડ અને ગેરકાયદે ખનનના ગુના હેઠળ કબજે કરવામાં આવ્યો હતો.