તૂરખેડામાં પ્રસૂતાના મોત બાદ ૪ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
નવજાત શિશુ હાલ બકરીના દૂધ પર છે : શિશુના આરોગ્યની ચકાસણી માટે આરોગ્ય તંત્ર હજી પહોંચ્યુ નથી
નસવાડી,છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તૂરખેડા ગામે પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જવાતા તેનું મૃત્યુ થયું હતું. માતાના મૃત્યુ બાદ તેના ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. મહિલાની આ ચોથી પ્રસૂતિ હતી.
આ ઘટનામાં હાઈકોર્ટે સૂઓમોટો દાખલ કરીને મુખ્ય સચિવ પાસે ખુલાસો માંગતા આરોગ્ય વિભાગ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હજી ગામે જ પહોંચ્યા નથી.
માતાનું મૃત્યુ થયા બાદ નવજાત શિશુને માતાનું દૂધ ના મળતા બકરીનું દૂધ પીવડાવવામાં આવે છે. આરોગ્ય વિભાગના શિશુના આરોગ્યની ચકાસણી માટે હજી તેના ઘરે પહોંચ્યું નથી.
તુરખેડા ગામ નર્મદા કાંઠે વસેલું છે જ્યાં કુદરતી સૌંદર્ય ભરપૂર છે, પરંતુ સુવિધાના નામે મીંડું છે, આ ઘટના બની તેને ૫ દિવસ વીતી ગયા છે, છતાંય રાજકીય પાર્ટીનો એક પણ નેતા પરિવારની મુલાકાત લેવા ફરક્યા નથી.
તુરખેડા ગામમાં ૧૨ ફળિયા છે જ્યારે આ ફળિયામાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રસ્તાની સુવિધા ના હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી.