આજવા રોડ પર ભાડાના મકાનમાંથી ૪.૭૧ લાખનો દારૃ મળ્યો
મકાન ભાડે રાખનાર સુરતની મહિલાની શોધખોળ કરતી પોલીસ
વડોદરા,આજવા રોડ પર ભાડાનું મકાન રાખી વિદેશી દારૃનો જથ્થો સંતાડનાર મહિલાની સામે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, આજવા રોડ દિનદયાળ હોલની સામે અવધેત ગ્રીન્સમાં ભાડે રહેતી મહિલાએ કેમિકલના ડ્રમ્સમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડી રાખ્યો છે. જેથી, પી.આઇ. સી પી વાઘેલાની સૂચના મુજબ, સ્ટાફના એએસઆઇ યોગેશભાઇ તથા અન્યએ ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મકાન બંધ હતું. મકાન માલિકના દીકરાનો સંપર્ક કરી ચાવી લઇને તેને બોલાવ્યા હતા. મકાન માલિક ચાવી લઇને આવતા મકાનનું તાળું તોડી ઇન્ટર લોક ખોલ્યું હતું. મકાનમાંથી કેમિકલના ૨૬ ડ્રમ મળી આવ્યા હતા. તેમાંથી પોલીસને વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૃની ૧,૫૨૫ બોટલ કિંમત રૃપિયા ૪.૭૧ લાખ તથા ૨૬ ડ્રમ કિંમત રૃપિયા ૭,૮૦૦ મળી કુલ રૃપિયા ૪.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ભાડૂત મહિલા સુનિતાબેન હેમંતભાઇ પરદેશી ( મૂળ રહે. કેદારનાથ એપાર્ટમેન્ટ, હનિપાર્ક રોડ, અડાજણ, સુરત) ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.