Get The App

જિલ્લા પંચાયતનું 39.51કરોડનું બજેટ

Updated: Feb 20th, 2024


Google NewsGoogle News
જિલ્લા પંચાયતનું 39.51કરોડનું બજેટ 1 - image


ઉઘડતી સિલક અને નવા વર્ષની સંભવિત આવક સાથે કુલ ૫૨.૮૯ કરોડની કુલ આવક સામે ગાંધીનગર

સ્વભંડોળમાં મર્યાદિત આવક હોવા છતા વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં ૨૫ ટકા જેટલી ૧૩.૩૮ કરોડની પુરાંત રખાઇ

 ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લા પંચાયતનું આજે  વર્ષ ૨૦૨૪-૨૫નું પુરાંતવાળું બજેટ સામાન્યસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા પંચાયતનું સરકારી ગ્રાન્ટ અને જોગવાઇઓ મળીને કુલ ૮૯૬.૮૪ કરોડનું બજેટ થાય છે.જેમાં સરકારી પ્રવૃતિઓનો સંભવીત  આવક ૮૯૫.૧૦ કરોડ જ્યારે સ્વભંડોળનું ૩૯.૫૧ કરોડ  રૃપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં ઉઘડતી સિલક અને સંભવીત આવક મળી કુલ ૫૨.૮૯ કરોડની કુલ આવક થાય છે જેની સામે ૩૯.૫૧ કરોડ રૃપિયા ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.આમ, સ્વભંડોળના બજેટમાં ૧૩.૩૮ કરોડથી પણ વધુ પુરાંત રહેશે.

ગાંધીનગર જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં આજે પંચાયતના પ્રમુખ શિલ્પાબેન જયેશભાઇ પટેલે નાણાકીય વષ-૨૦૨૪-૨૫નું અંદાજપત્ર એટલે કે બજેટ રજુ કર્યું હતું. સરકારી યોજનાઓ અને જોગવાઇઓ મળીને કુલ ૮૯૨.૧૧ કરોડના આ બજેટને સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા પંચાયતના આ બજેટ અવલોકન કરતા જણાય છે કે શિક્ષણ, આરોગ્ય અને બાળવિકાસક્ષેત્ર ઉપરાંત બાંધકામ, સિંચાઇ, સમાજ કલ્યાણ અને ખેતી તથા પશુપાલનક્ષેત્રને પણ આ બજેટમાં ખાસ ધ્યાન આપીને મોટા ભાગના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતના સ્વભંડોળનું બજેટ પણ પુરાંતવાળું છે.સ્વભંડોળનું બજેટ ૩૯.૫૧ કરોડ રૃપિયા રાખવામાં આવ્યું છે. જેમાં તા.૧ એપ્રિલ,૨૦૨૪ના રોજ ઉઘડતી સિલક અને વર્ષ દરમિયાન સંભવીત આવક મળી કુલ રૃપિયા ૫૨.૮૯ કરોડની આવક સ્વભંડોળના બજેટમાં દર્શાવવામાં આવી છે. જેમાંથી સંભવીત ખર્ચ ૩૯.૫૧  કરોડ અંદાજવામાં આવ્યો છે. એટલે કુલ ૧૩.૩૯ કરોડના પુરાંતવાળું બજેટ બનાવવામાં આવ્યું છે.બજેટમાં પુરાંત ૨૫ ટકાથી પણ વધુ રાખવામાં આવી છે.સ્વભંડોળના બજેટમાં ગત વર્ષની સરખામણીએ સામાન્ય વહિવટ ક્ષેત્રે ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે વિકાસ,. શિક્ષણ, બાળવિકાસ, ખેતીવાડી, સમાજ કલ્યાણ તથા બાંધકામ ક્ષેત્રે વધુ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ગત વર્ષ કરતા સ્વભંડોળના ખર્ચની જોગવાઇમં ૧૧.૮૮ કરોડની વધારાની જોગવાઇ કરવામં વી છે તેમ છતા ૧૩.૩૮ કરોડની પુરાંત ધરાવતું બજેટ રજુ કરવામાં આવ્યું છે. સરકાર પ્રવૃતિઓ અને દેવા વિભાગ સહિતનું બજેટ જોવા જઇએ તો ગાંધીનગર જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૪-૨૫નું અંદાજપત્ર ૮૯૬.૮૪કરોડ રૃપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.સરકારી પ્રવૃત્તિઓ અને પંચાયતના સ્વભંડોળ મળી આગામી વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટનું કદ ૯૩૬.૩૫ કરોડ રૃપિયા થાય છે.

 

સદસ્યોને વિસ્તારમાં વિકાસ કામો સુચવવા રૃપિયા ૭.૧૦ કરોડ મળશે

જિલ્લા પંચાયતના પંચાયત અને વિકાસ ક્ષેત્રે કુલ ૧૧.૮૦ કરોડ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં મહત્વની જોગવાઇ દરેક સદસ્યોને પોતાના મત વિસ્તારમાં કામો સુચવવાની છે જેની માટે ૭.૧૦ કરોડ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેથી દરેક સદસ્ય ૨૫થી ૨૬ લાખથી વધુનો ખર્ચ પોતાના વિસ્તારમાં વિકાસ કામો માટે એક વર્ષ દરમ્યાન ફાવવી શકશે તેમ કહેવાય. આ ઉપરાંત પ્રમુખની ગામડાની મુલાકાત દરમ્યાન સુચવેલા વિકાસ કામોની જોગવાઇ ડબલ કરીને એક કરોડની તથા સ્વચ્છતા બાબતે ૨૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તો કારોબારી અધ્યક્ષને પણ આ પ્રકારે વિકાસ કામો માટે ૭૫ લાખની જ્યારે ઉપપ્રમુખને ૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી માટે વિકાસ કામ માટે ૧૦ લાખ તથા સ્વચ્છતા બાબતે ૧૦ લાખ એમ ૨૦ લાખની જોગવાઇ કરાઇ છે.

 નબળી તાલુકા પંચાયતને ૨૦ લાખ સહાય ૭૫ લાખના ખર્ચે આંગણવાડી રિપેરીંગ

જિલ્લા ંપંચાયતના સ્વભંડોળમાં બાળવિકાસ ક્ષેત્રે ૧.૪૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં આંગણવાડી રીપેરીંગ માટે ૭૫ લાખ રૃપિયા, આંગણવાડી કેન્દ્રો માટે પ્રોત્સાહન તથા સાધન સરંજામ માટે ૨૦ લાખ રૃપિયા, મોડેલ આંગણવાડી બનાવવા માટે ૧૫ લાખ રૃપિયાની તથા જર્જરીત આંગણવાડી તોડી નવી બનાવવા માટે વધુ ૧૫ લાખ રૃપિયાની જોગવાઇ કરવામાં આવી છે. તો સગર્ભા  મહિલાઓની શિબિર માટે ૧૦ લાખ રૃપિયા આરક્ષીત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત માણસા જેવી નબળી તાલુકા પંચાયત કચેરી કે જ્યાં સ્વભંડોળની આવક ઓછી છે તેની સહાય માટે ૨૦ લાખની અલાયદી જોગવાઇ પણ કરવામાં આવી છે. તો પંચાયતના રીઝર્વ ફંડ માટે ચાર કરોડ રૃપિયા રાખવામાં આવ્યા છે. કર્મચારીઓ અને તેમના કુટીંબીજનોને ગંભીર માંદગીના મદદ થવા એક લાખ રૃપિયા જોગવાઇ કરા ઇચે.

 


Google NewsGoogle News