રાજકમલ બિલ્ડર્સને 383 કરોડના કામો: વધુ ભાવના ટેન્ડરથી રૂ. 67.58 કરોડની રેવડી
Image Source: Freepik
વડોદરા, તા. 04 માર્ચ 2024 સોમવાર
ભાજપના માનીતા કોન્ટ્રાકટર અમદાવાદની રાજકમલ બિલ્ડર્સ કંપનીને રૂા.૩૮૩ કરોડના ચાર કામ પધરાવી દેવાનો કારસો રચવામાં આવ્યો છે. જેમાં અંદાજ કરતા ૩૨થી ૩૭ ટકા વધુ ભાવના ટેન્ડરો હોવાથી રૂા.૬૭.૫૮ કરોડની વધારાની રકમ ચૂકવવાનો વારો આવ્યો છે. મ્યુનિ.કોર્પોરેશનની દલા તરવાડીની નીતિના કારણે માનીતા કેટલાક કોન્ટ્રાકટરો, એર્જિનિયરો તેમજ ભાજપના કેટલાક આગેવાનોની સાંઠગાંઠને લીધે કન્સલ્ટન્ટ પાસે એવા પ્રકારની શરતો મુકવામાં આવે કે જેથી અગાઉથી નક્કી કરેલા કોન્ટ્રાકટરને જ કામ મળે તેવી પેરવી કરી દેવામાં આવે છે. ગત સ્થાયી સમિતિમાં ભાયલી ખાતે નવીન એપીએસ અને પ્રેશરલાઇન, ૧૦ વર્ષનો મેન્ટેનન્સના કોન્ટ્રાકટમાં રાજકમલ બિલ્ડર્સનો વધુ ભાવ હોવાથી રૂા.૧.૧૪ કરોડ વધારાના ચૂકવવામાં આવ્યા હતા ત્યારે આ વખતની સ્થાયી સમિતિમાં તરસાલી વડદલા વિસ્તારમાં સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને મેન્ટેનન્સના કોન્ટ્રાકટમાં અંદાજીત ભાવ રૂા.૯૧,૦૫,૩૦,૪૦૦ હતો તેના કરતા રાજકમલ બિલ્ડર્સનું રૂા.૧૧૫,૭૯,૭૧,૪૩૦ નું ૨૭, ૧૭ ટકા વધુ ભાવનું ટેન્ડર આવ્યું છે. જેથી રૂા.૨૪.૭૪ કરોડ વધારાનો ફાયદો કરી આપવામાં આવશે.રાયકા ખાતે ઇન્ટેક વેલ અને વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ બનાવવા કોર્પોરેશને રૂા.૧૦૮,૭૮,૯૫,૧૨૪નો અંદાજ નક્કી કર્યો હતો. પરંતુ ૩૭,૪૯ ટકા વધુ ભાવનું ટેન્ડર રાજકમલ બિલ્ડર્સે ભર્યું છે. જેથી વધારાના રૂા.૧૩.૮૫ કરોડ ચૂકવવાનો વારો આવશે.
આ ઉપરાંત બિલ ગામ પાસે ફલાય ઓવર બ્રિજ બનાવવાના કામનો અંદાજ રૂા.૫૦,૭૬,૯૩,૯૭૧ નક્કી કર્યો હતો પરંતુ રાજકમલ બિલ્ડર્સે રૂા.૬૭,૦૧,૫૬,૦૪૨નું ૩૨ ટકા વધુ ભાવથી ટેન્ડર ભરતા રૂા.૧૬.૨૪ કરોડ વધારાના ચૂકવવામાં આવશે. વાસણા જંકશન પાસે ફલાય ઓવર બનાવવાના કામનો રૂા.૩૯,૮૪,૭૫,૮૩૬ અંદાજ નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ રાજકમલ બિલ્ડર્સે રૂા.૫૨,૫૯,૮૮,૧૦૭નું ૩૨ ટકા વધુ ભાવનું ટેન્ડર ભરવામાં આવ્યું છે જેથી કોન્ટ્રાકટરને રૂા.૧૨..૭૫ કરોડની વધારાની રેવડી આપવામાં આવશે તેમ જાણવા મળે છે.