25000 માર્કશીટોનું વેરિફિકેશન બાકી, 12000 માર્કશીટોનું પ્રિન્ટિંગ બાકી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એપ્રિલથી જુલાઈ વચ્ચે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માર્કશીટ મળે તેની રાહ જોઈ રહ્યા છે. અંતિમ વર્ષના જ નહીં પરંતુ તમામ વિદ્યાર્થીઓની માર્કશીટનું વિતરણ બાકી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.કુલ મળીને ૩૭૦૦૦ જેટલી માર્કશીટોનું વિતરણ બાકી છે.
આ જાણકારી મળ્યા બાદ વાઈસ ચાન્સેલરે પરીક્ષા વિભાગ અને કોમ્પ્યુટર સેન્ટરના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ફેકલ્ટી ડીનોની બેઠક બોલાવી હતી અને તમામને તતડાવ્યા હતાં.
એક ફેકલ્ટી ડીને નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, બેઠકમાં વાઈસ ચાન્સેલરે જ્યારે જાણકારી માંગી હતી ત્યારે ખબર પડી હતી કે, ૨૫૦૦૦ જેટલી માર્કશીટો પ્રિન્ટિંગ થઈને આવી છે અને કોમ્પ્યુટર સેન્ટરમાં તેના વેરિફિકેશન માટે રાહ જોવાઈ રહી છે.જ્યારે ૧૨૦૦૦ જેટલી માર્કશીટોનું પ્રિન્ટિંગ હજી બાકી છે અથવા તો પ્રિન્ટિંગ ચાલી રહ્યું છે.
એ પછી વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ રાતાચોળ થયા હતા અને જે માર્કશીટો પહેલેથી આવી ચૂકી છે તેનું એક જ સપ્તાહમાં વિદ્યાર્થીઓમાં વિતરણ કરવાનો આદેશ આપ્યો હતો.ઉપરાંત માર્કશીટોનું પ્રિન્ટિંગ પણ વહેલી તકે પૂરુ કરવા માટે સૂચના આપી હતી.
જોકે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને તો ઓછામાં ઓછા પંદર દિવસ માર્કશીટ નહીં મળે.કારણકે ૩૭૦૦૦ જેટલી માર્કશીટોમાંથી અડધો અડધ માર્કશીટો કોમર્સના વિદ્યાર્થીઓની છે.આ માર્કશીટોના વિતરણમાં જ એકાદ સપ્તાહનો સમય લાગી જશે.દીવાળી વેકેશન પહેલા કોમર્સના વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જાય તો પણ વિદ્યાર્થીઓ નસીબદાર હશે.