Get The App

પહેલા વર્ષની ૧૦૦૦૦ જેટલી બેઠકો સામે MSUમાં ૩૫૦૦૦ જેટલા ફોર્મ ભરાયા

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
પહેલા વર્ષની ૧૦૦૦૦ જેટલી બેઠકો સામે  MSUમાં ૩૫૦૦૦ જેટલા ફોર્મ ભરાયા 1 - image

વડોદરાઃ ધો.૧૨ પછી વિવિધ સરકારી યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સરકારના કોમન એડમિશન પોર્ટલ જીકાસ પર વિદ્યાર્થીઓની પ્રવેશ ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે.

આ એડમિશન પોર્ટલ થકી એમ.એસ.યુનિવર્સિટીમાં પણ પ્રવેશ  માટે વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.જેનો આંકડો એમ.એસ.યુનિવર્સિટીને મોકલી આપવામાં આવ્યો છે.મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં  કોમર્સ, આર્ટસ, સાયન્સ, હોમસાયન્સ જેવી વિવિધ ફેકલ્ટીઓમાં એફવાયની ૧૦૦૦૦ જેટલી બેઠકો સામે વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાંથી ૩૫૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે.

આ  પોર્ટલ થકી વિદ્યાર્થીઓ એક કરતા વધારે કોર્સ માટે અરજી કરી શકે છે અને આ બાબતને ગણતરીમાં લેવામાં આવે તો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ૭૦૦૦૦ જેટલા ફોર્મ ભરાયા છે.જોકે એમ.એસ.યુનિવર્સિટીમાં અરજી કરનારા વિદ્યાર્થીઓ પૈકી સ્થાનિક કેટલા અને બહારગામના કેટલા તેનો આંકડો હજી સામે આવ્યો નથી.

જોકે ૧૦૦૦૦ જેટલી બેઠકો સામે ૩૫૦૦૦ જેટલા  વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી છે અને બીજી તરફ કોમર્સમાં એફવાયમાં લગભગ ૫૮૦૦( ગત વર્ષના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો), આર્ટસમાં ૧૪૦૦, સાયન્સમાં ગ્રાન્ટ ઈન એડની ૧૨૦૦ તથા હાયર પેમેન્ટની ૪૦૦ બેઠકો ઉપલબ્ધ છે.આ સિવાય હોમસાયન્સ, એજ્યુકેશન સાયકોલોજી , લો , સોશિયલ વર્ક જેવી ફેકલ્ટીઓની બેઠકો અલગ.ઉપરાંત બીસીએ અને બીબીએ જેવા કોર્સમાં  પણ પ્રવેશ માટે ધસારો રહેતો હોય છે.જેમાં  પ્રવેશ પરીક્ષા થકી પ્રવેશ આપવામાં આવતો હોય છે.

યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની એડમિશન કમિટિઓ દ્વારા હવે દરેક ફેકલ્ટીમાં પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીઓની અરજીઓની ચકાસણી કરવામાં આવશે અને તેના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.તા.૧૨ અથવા ૧૩ જૂનના રોજ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની પહેલી યાદી બહાર પડાશે.જોકે ઉપલબ્ધ બેઠકોની સામે ત્રણ ગણા કરતા પણ વધારે ફોર્મ ભરાયા છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની મોટા ભાગની બેઠકો પહેલા રાઉન્ડમાં જ ભરાઈ જાય તેવી શક્યતા છે.



Google NewsGoogle News