ધોમધખતા તાપમાં ૩૫ વર્ષીય એમ.આર.ને લૂ લાગી જતા જીવ ગુમાવ્યો
કલર કામ કરતા યુવાન, રિક્ષા ચલાવતા વૃદ્ધ અને સિક્યોરિટી ગાર્ડના મોત : ૨૪ કલાકમાં વધુ ચારના મોત
વડોદરા,ઉનાળામાં બપોરે ઘરની બહાર નીકળવું જોખમી બની રહ્યું છે. એમ.આર.ની નોકરી કરતા ૩૫ વર્ષના યુવાનને લૂ લાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. છેલ્લા ચોવીસ કલાકમાં ગરમી અને હાર્ટ એટેકના કારણે ચાર લોકોના મોત થયા છે.
કિશનવાડી ૪૦ ક્વાટર્સમાં રહેતો ૩૫ વર્ષનો કલ્પેશ હરિશભાઇ સોની એમ.આર. તરીકે નોકરી કરે છે.છેલ્લા બે દિવસથી તેની તબિયત સારી નહીં હોવાથી રજા પર હતો. કલ્પેશને ચક્કર આવતા હોઇ ગઇકાલે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાતે સાડા આઠ વાગ્યે તાવ અને ચક્કર સાથે ઉલટી થઇ હતી. તેને લૂ લાગી હોવાના લક્ષણો જણાતા હતા. અડધો કલાક પછી તેને ખેંચ આવી હતી. ત્યારબાદ તે સૂઇ ગયો હતો. રાતે બે વાગ્યે તેના શરીરમાં કોઇ હલન - ચલન નહીંં જણાતા તેના મમ્મી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. તેની માતાએ જણાવ્યું હતું કે, ગરમીએ મારા દીકરાનો જીવ લીધો છે.
માણેજા વુડા હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા ૪૦ વર્ષના રાજુભાઇ ચંદુભાઇ પરમાર કલર કામ કર ેછે. આજે બપોરે જમીને સૂઇ ગયા પછી તે બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. તેને બ્લડ પ્રેશરની બીમારી હતી.
ખોડિયાર નગર ભાથીજી નગરમાં રહેતા ૬૩ વર્ષના મુકેશચંદ્ર ગૌરીશંકર અધ્યારૃ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. આજે વહેલી સવારે ઘરે બેભાન થઇને ઢળી પડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવવામાં આવતા ડોક્ટરે તેઓનું મોત થયું હોવાનું જાહેર કર્યુ હતું. બે દિવસથી તેઓની તબિયત સારી નહીં હોવાથી દવા લાવ્યા હતા. તેઓના લગ્ન થયા નહતા અને ભાડાના મકાનમાં રહેતા હતા.
આજવા રોડ જય ગુરૃદેવ સોસાયટીમાં રહેતા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ૫૬ વર્ષના ગુરૃમિતસીંગ દરબારને એટેક આવતા તેઓનું મોત થયું છે.