વડોદરામાં પૂરને લીધે અઠવાડિયાથી બંધ સીટી બસોમાંથી માંડ 35 જેટલી શરૂ થઈ
Vadodara City Bus : વડોદરામાં ભારે વરસાદ બાદ વિનાશક પૂર આવતા તેના લીધે શહેરમાં દોડતી સીટી બસ અઠવાડિયા સુધી બંધ થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી લગભગ 35 જેટલી સીટી બસ ચાલુ કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા સંચાલન ખાનગી સંચાલક હસ્તક અપાયું છે. 26 તારીખે ભારે વરસાદ પડ્યો અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું, ત્યારથી તમામ બસ બંધ હતી. રેલવે સ્ટેશન પાસે જનમહલ બસ સ્ટેશન આવેલું છે, ત્યાં 120 બસ પાર્ક કરેલી હતી. પૂરના પાણી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં માણસનું માથું ડૂબી જાય એટલા ભરાયા હતા, એટલે કે સીટી બસોમાં સીટની ઉપર સુધી પાણી ભરાઈ ગયા હતા. જેને લીધે બસની મશીનરીને સારું એવું નુકસાન થયું છે. ઓઇલમાં પાણી ભરાઈ ગયા છે, ફિલ્ટર ચોક થઈ ગયા છે, બેરિંગ જામ થઈ ગયા છે, મશીનરીમાં કિચડ જામી ગયો છે, ઇલેક્ટ્રીક પાર્ટ્સને નુકસાન થયું છે. આ બધી કામગીરી માટે ટુકડીઓને કામે લગાડવામાં આવી છે. આ ઉપરાંત એક સાથે વધુ સંખ્યામાં સ્પેરપાર્ટસ પણ મળતા નથી. અઠવાડિયા સુધી બસ બંધ રહ્યા બાદ જેમ રીપેર થતી ગઈ તેમ દોડાવવાનું શરૂ કર્યું છે. પ્રથમ દિવસે 25 જેટલી બસ દોડાવી હતી. અને ધીમે ધીમે તે વધી રહી છે, હાલ મેન મેન રૂટ પર બસ દોડે છે. જેમાં વિદ્યાર્થીઓ વધુ હોય છે, પરંતુ ફ્રિકવન્સી ખૂબ જ ઓછી છે. જે બસ 15 મિનિટે મળતી હતી તે એક કલાકના સમયે મળે છે.
આવતીકાલથી વધુ બસો ચાલુ થાય તેવી શક્યતા છે. રાબેતા મુજબ તમામ રૂટ પર સીટી બસ દોડે તે સ્થિતિ ઊભી થતા હજુ દસેક દિવસ નીકળી જશે. બસ સંચાલક પાસે 160 જેટલી બસો છે. લગભગ 40 બસ બચાવ કામગીરીમાં ફાળવેલી હોવાથી તેમાં પાણી ભરાયા નથી અને બચી ગઈ છે. સામાન્ય દિવસોમાં સિટી બસ 62 રૂટ પર દોડે છે અને રોડ ઉપર 135 બસ ફરતી હોય છે. જેના કારણે મુસાફરોને ફ્રિકવન્સી પર મળી રહેતી હોય છે. રોજના એક લાખ લોકોની આવજા રહેતી હોય છે, હાલ માંડ વીસ હજાર મુસાફરોની આવજા રહે છે.