રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકોને ૩૫ લાખનો દંડ
સ્થળ પરથી ૨.૬૭ લાખના દંડની વસુલાત કરવામાં આવી
વડોદરા,ગઇકાલથી શરૃ કરવામાં આવેલી સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક પોલીસે રોંગ સાઇડ વાહન ચલાવતા કુલ ૨,૩૪૮ વાહન ચાલકોને દંડ કર્યો છે.
શહેરમાં ટ્રાફિક નિયમનો ભંગ કરી રોંગ સાઇડ વાહન ચલાવતા વાહન ચાલકો વિરૃદ્ધ શરૃ કરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન આજે પોતાના તથા અન્ય નિર્દોષ વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકે છે. જેને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનર દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ટ્રાફિક પોલીસે શહેરના ૧૦ પોઇન્ટ પર ટીમ ગોઠવીને દંડની વસુલ કર્યો હતો. જેમાં સોમા તળાવ, એલ એન્ડ ટી સર્કલ, ગાંધીનગર ગૃહ, સુશેન સર્કલ, અમિત નગર બ્રિજ, વડીવાડી ફાયર સ્ટેશન, સયાજીગંજ, અલકાપુરી ડી માર્ટ, હરિનગર બ્રિજ નજીક પોલીસ દ્વારા કામગીરી કરીને રોંગ સાઇડ વાહન ચલાવતા ૧,૨૬૭ વાહન ચાલકોની સામે કેસ કરવામાં આવ્યા હતા. જ્યારે સીસીટીવી કેમેરા દ્વારા ૪૭૫ ઇ મેમો જનરેટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસની ડ્રાઇવ દરમિયાન પોલીસે કુલ ૨,૩૪૮ વાહન ચાલકોને ૩૫.૨૨ લાખનો દંડ કર્યો છે. જોકે, સ્થળ પર ૨.૬૭ લાખની વસુલાત કરવામાં આવી છે.