પ્રવેશના પહેલા રાઉન્ડ બાદ કોમર્સ, આર્ટસ અને સાયન્સમાં ૩૨૦૦ જેટલી બેઠકો ખાલી પડી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટીઓમાં પ્રવેશનો પહેલો રાઉન્ડ લગભગ પૂરો થઈ ગયો છે ત્યારે સૌથી મોટી ત્રણ કોમર્સ, સાયન્સ અને આર્ટસમાં પહેલા રાઉન્ડ બાદ લગભગ ૩૨૦૦ બેઠકો ખાલી પડી છે.
મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીમાં પહેલા રાઉન્ડમાં ૫૮૦૦ વિદ્યાર્થીઓની પ્રવેશ યાદી જાહેર કરવામાં આવી હતી.પહેલા રાઉન્ડના અંતે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નહીં હોવાથી આ બેઠકો ખાલી પડી છે.
બીજી તરફ આર્ટસ ફેકલ્ટીએ આ વખતે ૧૫૦૦ બેઠકો પર પ્રવેશ આપવાનુ નક્કી કર્યુ હતુ.જોકે પહેલા રાઉન્ડમાં માત્ર ૪૦૦ વિદ્યાર્થીઓએ જ ફી ભરી હોવાની જાણકારી સામે આવી છે.જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં ૧૨૦૦ જેટલી ગ્રાન્ટેડ બેઠકો પૈકી ૬૦૦ જ બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોવાનુ જાણવા મળ્યુ છે.
આમ ત્રણે ફેકલ્ટીની ૩૦૦૦ કરતા વધારે બેઠકો ખાલી પડી છે.જેના પર બીજા રાઉન્ડમાં પ્રવેશ આપવાની કાર્યવાહી કરાશે.એડમિશન કાર્યવાહી સાથે સંકળાયેલા અધ્યાપકોનુ કહેવુ છે કે, જીકાસ(ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ) થકી થયેલી પ્રવેશ કાર્યવાહી અને તે માટેના નિયમો આ સ્થિતિ માટે મહદઅંશે જવાબદાર છે. કોમન એડમિશન અને મેરિટ લિસ્ટના કારણે પ્રવેશની ટકાવારી ઉંચી ગઈ છે.સૂત્રોના કહેવા પ્રમાણે પોતાની પસંદગીના વિષયોમાં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓએ અન્ય કોલેજોમાં પ્રવેશ મેળવી લીધો હોય તેવુ પણ બની શકે છે.ે પહેલા રાઉન્ડમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થી બીજા રાઉન્ડમાં એપ્લાય નથી કરી શકતો અને જો વિદ્યાર્થીએ બીજા રાઉન્ડમાં એપ્લાય કરવુ હોય તો પહેલા રાઉન્ડમાં પ્રવેશ કેન્સલ કરાવવો પડે છે.જેના કારણે પણ બેઠકો ઓછી ભરાઈ હોય તેવી શક્યતા છે.કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ૭૦ ટકા જ બેઠકો અનામત રાખવાની નીતિ અને આર્ટસમાં પણ પહેલા રાઉન્ડ સુધી સ્થાનિક વિદ્યાર્થીઓને અનામત નહીં આપવાની નીતિ પણ જવાબદાર છે.જોકે આર્ટસ ફેકલ્ટીએ હવે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની તૈયારી બતાવી છે.