૩૨ લાખનો દારૃ ભરેલી ટ્રકના કેસમાં નાસતો ફરતો નામચીન આરોપી પકડાયો
કૃણાલ કહાર સામે હત્યાની કોશિશ, ધમકી, મારામારી અને રાયોટિંગ સહિત ૨૯ ગુનાઓ દાખલ થયા છે
વડોદરા,ઉત્તરાયણ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી ૩૨ લાખનો દારૃ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. રણોલીમાં દારૃનું કટિંગ ચાલતું હતું ત્યારે જ એસએમસી ત્રાટકતા ચાર જણા ઝડપાઇ ગયા હતા. જે ગુનામાં નાસતા ફરતા માથાભારે આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
ઉત્તરાયણ પૂર્વે દારૃનો મોટો જથ્થો વડોદરામાં આવનાર હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે વોચ રાખી હતી.જે દરમિયાન રણોલી જીઆઇડીસી ખાતે રાઘવ ઇન્ડસ્ટ્રિયલ પ્લોટમાં દારૃનું મોટેપાયે કટિંગ ચાલી રહ્યું હોવાની વિગતોને પગલે એસએમસીએ દરોડો પાડયો હતો.
પોલીસે એક ટ્રકમાંથી દારૃ ઉતારી રહેલા બે શ્રમજીવી તેમજ ટ્રક ડ્રાઇવર અને ટ્રકને ઉપરોક્ત સ્થળે લાવનાર સહિત ચાર જણાને દબોચી લીધા હતા.પોલીસે ટ્રક તેમજ ૩૨.૧૬ લાખની કિંમતની દારૃની ૨૪,૦૧૩ નંગ બોટલો કબજે કરી હતી.
પોલીસે દારૃની ટ્રક ઉપરાંત કટિંગ માટે લવાયેલા સ્કૂટર સહિતના ત્રણ વાહન અને પાંચ મોબાઇલ મળી કુલ રૃ.૫૨.૯૧ લાખની મતા કબજે કરી હતી. પોણા બે મહિનાથી નાસતો ફરતો આરોપી કૃણાલ રમેશભાઇ કહાર ( રહે. ગાયત્રી ભુવન એપોર્ટમેન્ટ, મહાવીર હોલ ચાર રસ્તા પાસે, આજવા રોડ) સુરતના કામરેજ ખાતે હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને કૃણાલ કહારને ઝડપી પાડયો હતો. નામચીન અને માથાભારે કૃણાલ કહાર સામે અગાઉ મારામારી, ધમકી, રાયોટિંગ, હત્યાની કોશિશ, તડિપાર ભંગ, પ્રોહિબિશન અને ખંડણીના ૨૯ ગુનાઓ દાખલ થયા છે. તેમજ તેની બે વખત પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી એક મોબાઇલ ફોન કબજે કર્યો છે.