ફ્રેન્ચાઇઝી આપવાના બહાને ૩૧.૭૪ લાખની છેતરપિંડી
લોન્ડ્રી સર્વિસની ફ્રેન્ચાઇઝી આપવાનું કહી રૃપિયા પડાવ્યા
વડોદરા,લોન્ડ્રી સર્વિસની ફ્રેન્ચાઇઝી આપવાના બહાને મહિલા પાસેથી ૩૧.૭૪ લાખ પડાવી લેનાર દિલ્હી ગુરગાંવના ઠગ સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
વાસણા ભાયલી રોડ પર અર્થ આર્ટીકા એપાર્ટમેન્ટમાં રહેતા શ્વેતાબેન પારેખે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, જૂન - ૨૦૨૨ માં મારો પરિચય ફ્રેન્ચાઇઝી અપાવવાનું કામ કરતા રાજેશ નિતીનભાઇ નાયક સાથે થયો હતો. તેમણે મને ક્લિઝ - ૨૪ ( લોન્ડ્રી સર્વિસ) ની ફ્રેન્ચાઇઝી માટે વિગતો આપી હતી. ત્યારબાદ કંપનીના ડાયરેક્ટર સોમનાથ રાઉત્રે, રાજકુમાર તથા નિકત્તમ સોલ્યુશન પ્રા.લિ. ગુંરગાવ સાથે મિટિંગ થઇ હતી. રાજ નાયક અને અન્યના કહેવા મુજબ, મેં અમદાવાદ મુકામે આઉટલેટ શરૃ કરવા માટે કુલ ૩૧.૭૪ લાખ ચૂકવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, તમારે માત્ર ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું રહેશે. ફ્રેન્ચાઇઝીનું સંચાલન, દુકાનનું ભાડું, મેન્ટેનન્સ, માણસોનો પગાર વગેરે ખર્ચ સોમનાથ, રાજકુમાર તથા નિકત્તમ કંપની જ કરશે. મારી પાસેથી રૃપિયા લઇ તેઓએ ફ્રેન્ચાઇઝીનું સંચાલન કર્યુ નહતું. તેમજ મારી પાસેથી લીધેલા રૃપિયા પણ પરત આપ્યા નહતા.