વડોદરાની સ્કૂલોમાં ૩૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓને નવી શૈક્ષણિક કિટની જરુર
વડોદરાઃ વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે બાળકોના શિક્ષણને પણ ફટકો માર્યો છે.ઘણા વિદ્યાર્થીઓએ પોતાના પુસ્તકો અને બીજી સ્ટેશનરી પૂરના પાણીમાં ગુમાવી છે.
ખાસ કરીને આર્થિક રીતે સાધારણ પરિવારોમાંથી આવતા બાળકોને અત્યારે શૈક્ષણિક કિટની જરુર છે અને તેને લઈને જે સર્વે ચાલી રહ્યો છે તેના પ્રાથમિક અનુમાન પ્રમાણે વડોદરામાં ૩૦૦૦ કરતા વધારે બાળકોને શૈક્ષણિક કિટ આપવી પડે તેમ છે.
વડોદરા ડીઈઓ કચેરીના સૂત્રોનું કહેવું છે કે, વડોદરા શહેર અને જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં કરવામાં આવેલા સર્વે પ્રમાણે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓના પાઠયપુસ્તકો, નોટબૂકો અને બીજી વસ્તુઓ પૂરમાં પલળી ગઈ હતી.આ એવા વિદ્યાર્થીઓ છે જે ગરીબ પરિવારના છે અને તેમને શૈક્ષણિક કિટની જરુર છે.ઘણા બાળકોએ તો પૂરના પાણી ઉતર્યા બાદ પલળી ગયેલા પુસ્તકો અને નોટબૂકો સુકવવા મૂકી હતી.જેથી ફરી ઉપયોગમાં લઈ શકાય.
બાળકોને નવી નોટબૂકો અને બીજી વસ્તુઓ આપવા માટે વડોદરા શહેર જિલ્લાના શૈક્ષણિક સંઘોએ એક સંયુક્ત સમિતિ બનાવી છે.જેની સાથે સંકળાયેલા આચાર્ય ઘનશ્યામભાઈ ચાવડાનું કહેવું છે કે, પ્રાથમિક સ્કૂલોમાં અમે કરેલા સર્વેમાં ૧૨૦૦ જેટલા જરુરિયાતમંદ બાળકોની જાણકારી સામે આવી છે.અમને દાતાઓ તરફથી સહકાર મળી રહ્યો છે.આગામી દિવસોમાં અમે બાળકોને શિક્ષણ માટે જરુરી વસ્તુઓનું વિતરણ શરું કરીશું.
જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૂત્રોનું કહેવું છે કે, સમિતિની સ્કૂલોમાં પણ હાલમાં પૂરના કારણે પ્રભાવિત બાળકોની જાણકારી એકત્રિત કરવાની કામગીરી અત્યારે ચાલી છે.એ પછી તેમને જરુરી વસ્તુઓ પૂરી પાડવામાં આવશે.