નવરાત્રીમાં વડોદરાની 3000 પોલીસ અને 2450 કેમેરા દ્વારા ખૂણે ખૂણે નજર
વડોદરાઃ આસો સુદ શારદીય નવરાત્રીનો આવતી કાલથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસે બંદોબસ્ત માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.પોલીસ કમિશનરે કોઇ અનિચ્છનિય બનાવ ના બને તેની સાથે સાથે ટ્રાફિક નિયમન પર વિશેષ ભાર આપ્યો છે.
લોકો નવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે પોલીસ કમિશનરે તમામ ગરબા ગ્રાઉન્ડો તેમજ અંતરિયાળ વિસ્તારોમાં પોલીસની નજર રહે તેવી વ્યવસ્થા ને આખરી ઓપ આપ્યો છે.
શહેરની તમામ પોલીસ ઉપરાંત ટ્રાફિક પોલીસ એન એસઆરપી સહિત ૩૦૦૦ થી વધુ પોલીસ જવાનો નવરાત્રીના બંદોબસ્તમાં સામેલ થશે.પોલીસ દ્વારા ૧૭૫૦ સીસીટીવી કેમેરા ઉપરાંત ૭૦૦ બોડીવોર્ન કેમેરા દ્વારા સિટી કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાંથી ખૂણે ખૂણે નજર રાખવામાં આવશે.
ગરબા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.ગરબા ગ્રાઉન્ડની આસપાસ તેમજ તેના રૃટ પર ટ્રાફિક બ્રિગેડના ૪૦૦ જવાનો અને ટ્રાફિક બ્રિગેડના ૭૦૦ જવાનો મોડી રાત સુધી બંદોબસ્ત જાળવશે.
વડોદરામાં 60 મોટા ગરબાના આયોજકો સાથે પોલીસની મીટિંગ
વડોદરામાં ૬૦ થી વધુ મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી પોલીસ કમિશનરે આયોજકો સાથે મીટિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરી હતી.
શહેરમાં ૨૬ જેટલા કોમર્શિયલ અને ૪૪ અન્ય મોટા ગરબાનું આયોજન થયું છે.જ્યારે શેરી અને સોસાયટીઓમાં પણ અનેક સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યંું છે.
પોલીસ કમિશનરે આયોજકો સાથે મીટિંગ કર્યા બાદ આજે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી બંદોબસ્તની ચર્ચા કરી હતી અને જરૃરી સૂચનાઓ આપી હતી.