ત્રણ જ દિવસમાં પાણી કાઢવાના ૩૦૦થી વધુ પંપો વેચાઈ ગયા
વડોદરાઃ વડોદરા શહેરમાં હજારો એવી ઈમારતો છે જેમાં બેઝમેન્ટ છે અને તેમાં દુકાનો આવેલી છે અથવા પાર્કિંગ એરિયા આવેલા છે. આ પૈકીની મોટાભાગની ઈમારતોમાં પાણી ભરાઈ ગયા બાદ ૫૦૦ કરતા વધારે ઈમારતોમાં મોટર પંપથી હજી પણ પાણી ઉલેચવામાં આવી રહ્યું છે.
પૂરના પાણીના કારણે સૌથી વધારે નુકસાન બેઝમેન્ટમાં દુકાનો ધરાવતા વેપારીઓને થયું છે અને તેમનો તમામ માલ સામાન બરબાદ થઈ ગયો છે.મળતી વિગતો પ્રમાણે પાણી કાઢવા માટે રાતોરાત સબમર્સિબલ વોટર પંપની ભારે ડીમાન્ડ ઉભી થઈ છે.
વિશાળ બેઝમેન્ટમાંથી પાણી ભાડે કાઢવા માટે ઘણી જગ્યાએ મોટા પંપો ભાડે લાવીને મૂકવામાં આવ્યા છે તો બીજી તરફ કેટલાકે તો રાતોરાત વોટર પંપ ખરીદયા છે.ત્રણ જ દિવસમાં ૩૦૦ કરતા વધારે પંપ ખરીદવામાં આવ્યા હોવાનું વેપારીઓનું કહેવુ છે.વડોદરાના એક વેપારીએ કહ્યું હતું કે, પંપનું કામ કરતી નાનકડી મોટર ૩૦૦૦ રુપિયાની આવે છે.આ સીવાય ૧૦ હોર્સ પાવરના શક્તિશાળી પંપ પણ પાણી ઉલેચવા માટે વપરાય છે.જેની કિંમત એક લાખ રુપિયાથી માંડીને બે લાખ રુપિયા થવા જાય છે.આવા નાના મોટા તમામ પ્રકારના પંપની ભારે માંગ ત્રણ દિવસમાં ઉભી થઈ હતી.
જાણકારોનુ કહેવું છે કે, હજી પણ વડોદરામાં ઘણી મોટી ઈમારતોમાં બેઝમેન્ટમાંથી પાણી નીકળ્યાં નથી અને પાણી કાઢવા માટેના પંપ ભાડે લાવીને પણ પાણી કાઢવામાં આવી રહ્યું છે.પૂરના પાણી ઉતરી ગયાના ચોથા દિવસે પણ પાણી કાઢવા માટેના પંપો કાર્યરત છે.