૩૦ વર્ષ અગાઉ વડોદરામાં ભાજપ રાષ્ટ્રીય પરિષદમાં રામમંદિર મુદ્દોય ચર્ચા સ્થાને રહ્યો હતો
બાજપેયીએ કહેલું, અયોધ્યામાં રામમંદિર થશે જ ઃ સૂરજ ભાને પણ કહ્યું હતું, હવે પછી દિલ્હીમાં ભાજપ સરકાર હશે અને રામમંદિર બનશે
વડોદરા, તા.16 વડોદરામાં આજથી ૩૦ વર્ષ અગાઉ ૧૫મી રાષ્ટ્રીય પરિષદ આર સી પટેલ એસ્ટેટ ખાતે જૂન ૧૯૯૪માં મળી હતી. તે વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલકૃષ્ણ અડવાણી હતા. આ રાષ્ટ્રીય પરિષદમાં જુદા જુદા વિષયોને આવરી લેતા આઠ ઠરાવ પસાર કરાયા હતા, છતાં ચર્ચા દરમિયાન રામ અને રામમંદિરનો મુદ્દો મહત્વનો બની રહ્યો હતો.
રાષ્ટ્રીય પરિષદની સમાપ્તી વખતે અટલ બિહારી બાજપેયીએ ભાજપનો એક્શન પ્લાન જાહેર કર્યો તેમાં તેમણે જણાવેલું કે ભાજપ તેના નક્કી કરેલા ધ્યય તરફ નિરંતર આગળ વધતો પક્ષ છે. ભાજપે અયોધ્યાનો મુદ્દો છોડયો નથી. અયોધ્યામાં રામમંદિર થશે જ.
દિલ્હીના તત્કાલી મુખ્ય પ્રધાન મદનલાલ ખુરાનાએ જમ્મુ-કાશ્મીર પ્રશ્ને ઠરાવ રજૂ કર્યો હતો, જેને આરિફ મહંમદ બેગે ટેકો આપ્યો હતો, અને ચર્ચા દરમિયાન કહ્યું હતું કે હિન્દુત્વની વાત કરો ત્યારે એક શબ્દ રામમય હોય જ છે.
પરિષદના બીજા દિવસે ઉત્તરપ્રદેશના માજી મુખ્યપ્રધાન કલ્યાણસિંહે રાજકીય ઠરાવ રજૂ કરતા કહ્યું હતું કે અયોધ્યામાં રામમંદિર એ રાષ્ટ્રનુ મંદિર છે, હિન્દુત્વનું પ્રતીક છે, સન્માન અને ઓળખ છે. સાંસ્કૃતિક એક્તા અને અખંડતાનું મંદિર છે. દુનિયાની કોઈ તાકાત રામમંદિરનું નિર્માણ અટકાવી શકશે નહીં. રામમંદિરનો પ્રશ્ન હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ સાથે જોડાયો છે.
રામમંદિરનો વિરોધ કરતા તે સમયના વિરોધી નેતાઓને આડે હાથ લેતા ભાજપના તત્કાલીન ફાયરબ્રાન્ડ વક્તા ઉમા ભારતીએ જણાવ્યું હતું કે આવા નેતાઓમાં કશુ કરી શકવાની તાકાત ન હોય તો જમીન પર બેસી, ઘૂંટણ ટેકવી, કાનપટ્ટી પકડીને 'જય શ્રીરામ' બોલવું જોઈએ.
ભાજપના એ સમયના તેજાબી વક્તા અને નેતા સિકંદર બખ્તે કહ્યું હતું કે ભારત ૧૯૪૬ પહેલાની માનસિક્તામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે દેશની હાલત જોતા અયોધ્યામાં રામમંદિર ૫૦ વર્ષ પહેલા બની જવું જોઈતું હતું.
ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૂરજ ભાનજીએ કલ્યાણસિંહે રજૂ કરેલા ઠરાવના ટેકામાં કહ્યું હતું કે ભાજપ માત્ર સરકાર નહીં, સમાજ પણ બદલવા માગે છે. હવે પછી દિલ્હીમાં ભાજપની સરકાર હશે અને રામમંદિર પણ બનશે.
ભાજપની રાષ્ટ્રીય પરિષદ વખતે પોલોગ્રાઉન્ડ ખાતે જાહેરસભા યોજાઈ હતી. તે વખતે વડોદરાના સાંસદ દીપિકા ચીખલિયા હતા. જેમણે અગાઉ 'રામાયણ' ટીવી સીરિયલમાં 'સીતા'ની ભૂમિકા ભજવી હતી. સભામાં તેઓ ઉપસ્થિત હતા. એ સભામાં 'રામાયણ' સીરિયલના લંકેશનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદી પણ હતા. તે સમયે તેઓ સાબરકાંઠના સંસદ સભ્યહતા. સભામાં સ્ટે પર તેઓ આવ્યા ત્યારે દીપિકા (સીતા) સમક્ષ જઈ સૌ પ્રથમ નમન કરતા લોકોને 'રામાયણ'નુંશ્શ્ય જોતા હોય તેવી યાદ તાજી થતા ખૂબ તાળીઓ પડી હતી. તેમણે તેમના ભાષણમાં કહ્યું હતું કે હું ચુસ્ત રામભક્ત છું. રામે મને રાવણમાંથી સાંસદ બનાવી સંસદમાં મોકલ્યો છે.
આ સભાને સિકંદર બખ્તે સંબોધતા કહેલું કે રામનું નામ કોઈ એક ધર્મ સાથે સંકળાયેલું નથી. રામને બદનામ કરતા લોકોએ ઈન્ડોનેશિયામાં જઈને જોવું જોઈએ કે ઈન્ડોનેશિયામાં સૌથી વધુ મુસ્લિમો વસે છે, છતાં પણ રામ ત્યાં એક સભ્યતાનો હિસ્સો ગણાય છે.