Get The App

લવારપુરની જમીન વેચાણ આપવાનું કહી ખેડૂત સાથે 30 લાખની છેતરપિંડી

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
લવારપુરની જમીન વેચાણ આપવાનું કહી ખેડૂત સાથે 30 લાખની છેતરપિંડી 1 - image


જિલ્લામાં જમીન સંબંધિત વધતી છેતરપિંડી વચ્ચે

૮ કરોડમાં સોદો નક્કી કરીને દસ્તાવેજ નહીં કરી આપતા ડભોડા પોલીસ મથકમાં લેકાવાડાના શખ્સ સામે ગુનો દાખલ

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે લેકાવાડાના શખ્સ દ્વારા લવારપુરની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનું કહીને અમદાવાદના ખેડૂત સાથે ૩૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના સોલા ઉમા ગ્રીનલેન્ડ બંગલો ખાતે રહેતા મહેશકુમાર હીરાલાલ બારોટે ફરિયાદ નોંધાવી હતી કે, તેમને જમીન વેચાણ રાખવાની હોવાથી જમીન દલાલ વિષ્ણુ ઠાકોરે લવારપુર ગામની સીમમાં સર્વે/ બ્લોક નંબર.૩૫૫ જમીન વેચાણ કરવાની વાત કરી હતી. બાદમાં જમીન દલાલે ગણપતસિંહ ભવાનસિંહ વાઘેલા, કિશન ગણપતસિંહ, પંકજ ઠાકોર, હરજીવન સાધુ અને રાજુ રબારી સાથે પરિચય કરાવ્યો હતો. જમીન રેકર્ડ ઉપરનાં માલિક દિલીપભાઈ ભુદરભાઈ પટેલને જમીન વેચાણ અપાવી છે. જેના રૃપિયા બાકી હોવાથી જમીન વેચવાની છે. જેથી મહેશકુમારે જમીન ખરીદવાની તૈયારી દર્શાવતા આઠ કરોડમાં સોદો નક્કી થયો હતો. જે પેટે મહેશકુમારે બે તબક્કામાં કુલ રૃ. ૩૦ લાખ રોકડા આપતા વાઉચરમાં ગણપતસિંહે સહી કરી આપી હતી અને મે ૨૦૨૩ માં મહેશકુમારે વેચાણ દસ્તાવેજ કરાવવા સબ રજીસ્ટાર ઓફીસ ખાતે ટોકન લીધું હતું. જે પેટે પણ તેમણે રૃ. ૧.૭૨ લાખ ભર્યા હતા પરંતુ નક્કી થયા મુજબની તારીખે આ લોકો દસ્તાવેજ કરવા ગયા ન હતા.૧૦ જુનના રોજ ગણપતસિંહે મોબાઇલમાં મૂળ જમીન માલિક દિલીપભાઈનું આધાર કાર્ડ મોકલી આપ્યું હતું. પરંતુ દસ્તાવેજ માટે વાયદાઓ આપે રાખ્યા હતા. ઉપરોક્ત જમીન ખરીદ્યા સહિતની વિગતો મહેશકુમારને લેખિતમાં વેચાણ દસ્તાવેજ કરાવી આપવાની ખાત્રી આપી હતી. બાદમાં સાક્ષીઓએ એફિડેવિટ કરીને જમીનનાં વેચાણ દસ્તાવેજ કરાવી આપવાના બહાને ૩૦ લાખ ગણપતસિંહે લીધા હોવાની વિગતોની કબૂલાત કરી હતી. ડભોડા પોલીસે લેકાવાડાના ગણપતસિંહ ભવાનસિંહ વાઘેલા સામે ગુનો દાખલ કર્યો છે. 


Google NewsGoogle News