સ્માર્ટ મીટરમાં 3 થી 4 ગણુ બિલ આવે છે વડોદરાના ગોરવા અને અકોટા વિસ્તારના લોકોનો આક્ષેપ
વીજ કંપનીના સ્માર્ટ મીટરો મુદ્દે વીજ ગ્રાહકોએ સુભાનપુરા-અલકાપુરી કચેરીએ હલ્લો મચાવ્યો
વડોદરા : વીજ કંપની દ્વારા જુના મીટરો બદલીને તેના સ્થાને નવા પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરો લગાવાની શરૃઆત કરી દેવામાં આવી છે જેમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૃપે વડોદરામાં અત્યાર સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ૧૫,૩૭૨ સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે.જેમાં મોટાભાગના આવસ યોજનાઓમાં છે. સ્માર્ટ મીટર લગાવ્યાને હજુ એક મહિનો પણ નથી થયો તે પહેલા જ મીટરો સામે ગંભીર ફરિયાદ ઉભી થઇ છે અને અત્યાર સુધી આવતા વીજ બિલ કરતા ૩ થી ૪ ગણુ બિલ આવતુ હોવાના આક્ષેપો સાથે આજે ગોરવા અને અકોટા વિસ્તારના સ્માર્ટ મીટર ધારક વીજ ગ્રાહકોએ વીજ કંપનીની ઓફિસ ઉપર પહોચીને હોબાળો મચાવી દીધો હતો.
બે મહિનાની સરેરાશ પ્રમાણે કરેલુ રિચાર્જ 10 દિવસમાં જ ખતમ થઇ ગયું આ તો કોન્ટ્રાક્ટરનો મામલો છે તેમ કહી વીજ કંપનીએ હાથ અધ્ધર કર્યા
જો કે શરૃઆતમાં તો રહિશોનું ટોળુ જોઇને વીજ કંપનીના અધિકારીએ તો ઓફિસનો દરવાજો જ બંધ કરી દીધો હતો અને કોઇ પણ ફરિયાદ સાંભળવાનો ઇન્કાર કરી દીધો હતો પરંતુ ટોળાનો મીજાજ જોઇને કેટલાક લોકોને અંદર બોલાવ્યા હતા પરંતુ વીજ અધિકારીઓએ એમ કહીને હાથ અધ્ધર કરી દીધા હતા કે સ્માર્ટ મીટરો તો કોન્ટ્રાક્ટર લગાવે છે અમારે તેમાં કોઇ લેવા દેવા નથી.જો કે વીજ ગ્રાહકોને આ જવાબથી સંતોષ નહી થતા વીજ અધિકારીઓએ એમ કહીને ગ્રાહકોને રવાના કરી દીધા હતા કે અમે તપાસ કરાવીશું. આ મામલો હજુ ચાલી જ રહ્યો હતો ત્યારે આ પ્રકારની જ ફરિયાદ સાથે અકોટા વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના રહિશો અલકાપુરી સ્થિત વીજ કંપનીની ઓફિસે પહોંચી ગયા હતા અને આક્રોશ સાથે ફરિયાદ કરી હતી. અકોટા અને ગોરવા વિસ્તારના વીજ ગ્રાહકોનું કહેવું હતું કે સ્માર્ટ મીટરો પરત લઇ લો અને જૂના મીટરો લગાવી દો.
બે મહિને 800નું બિલ આવતું હતું, સ્માર્ટ મીટરમાં 12 દિવસમાં 2000 વપરાઇ ગયા
સુભાનપુરા સ્વામી વિવેકાનંદ હાઇટ્સમાં રહેતા ભૂમિકાબેનનું કહેવું છે કે અમે આવાસ યોજનામાં રહીએ છીએ. કોઇ બંગલામાં નથી રહેતા. સ્માર્ટ મીટરો માટે અમારા ઘર જ કેમ પસંદ કરવામાં આવ્યા. જૂના મીટરમાં અમારૃ બે મહિનાનું બિલ રૃ.૭૦૦ થી ૮૦૦ આવતુ હતું. સ્માર્ટ મીટર લાગ્યું ત્યારે મે રૃ.૨૦૦૦નું રિચાર્જ કરાવ્યું હતું. પરંતુ ૧૨ દિવસમાં જ ૨૦૦૦ રૃપિયા વપરાઇ ગયા. મારો છોકરો દવાખાનામાં હતો આજે તેને લઇને ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે રીચાર્જ પુરુ થઇ ગયુ છે અને કનેક્શન બંધ થઇ ગયુ છે.
રહીશોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો તો કોન્ટ્રાક્ટર એજન્સીએ રૃ.૧૦ હજારના દંડની ધમકી આપી હતી