સંસ્કૃત મહાવિદ્યાલયના ત્રણ અધ્યાપકો ગેરહાજર હોવાથી ખુલાસો પૂછાયો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી પૂરવા માટે બાયો મેટ્રિક સિસ્ટમ લાગુ થયા બાદ પહેલી વખત વાઈસ ચાન્સેલર દ્વારા અધ્યાપકોની સ્થળ પર હાજરી છે કે નહીં તેનુ ચેકિંગ કરવામાં આવ્યુ હોવાની વિગતો સપાટી પર આવી છે.
મળતી વિગતો પ્રમાણે ગુરુવારે ડી એન હોલ પાસે આવેલા આર્ટસ ફેકલ્ટીના ભાષા ભવનમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઈન્ડિયન નોલેજ સિસ્ટમના ઉદઘાટન સમારોહ બાદ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવ અચાનક સંસ્કૃત મહાવિદ્યાલય પહોંચ્યા હતા.જ્યાં તેમને જાણવા મળ્યુ હતુ કે, બાયો મેટ્રિક સિસ્ટમમાં થંબ ઈમ્પ્રેશન એટલે કે અંગૂઠો મારીને હાજરી પૂરનારા ત્રણ અધ્યાપકો ગેરહાજર છે.અધ્યાપક આલમમાં ચર્ચાતી વિગતો પ્રમાણે આ ત્રણે અધ્યાપકોનો ખુલાસો પૂછવામાં આવ્યો છે.જેમની સામે આકરી કાર્યવાહીના પણ ભણકારા વાગી રહ્યા છે.
જોકે આ મુદ્દે સત્તાધીશો કશું બોલવા તૈયાર નથી.યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે એમ ચૂડાસમાનો આ મુદ્દે જાણકારી મેળવવા માટે સંપર્ક થઈ શક્યો નહોતો જ્યારે પીઆરઓ લકુલેશ ત્રિવેદી પાસે પણ આ મુદ્દે કોઈ જાણકારી નહોતી અને તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ થયા બાદ કેટલાક અધ્યાપકો થંબ ઈમ્પ્રેશન વડે હાજરી પૂરીને જતા રહે છેે અને ફરી હાજરી પૂરવા માટે આવી જતા હોવાનુ કહેવાઈ રહ્યુ છે.જેમનો સમય બપોરના સાડા બાર વાગ્યાનો હોય છે તેવા અમુક અધ્યાપકો તો સાંજે સાત કલાક પૂરા થયા બાદ નાઈટ ડ્રેસમાં કે ઘરના કપડા પહેરીને પણ કેમ્પસમાં હાજીર પૂરાવ માટે આવી જતા હોય છે.કેટલાક અધ્યાપકો એવા પણ છે જે સવારે મોર્નિંગ વોકમાં જતી વખતે હાજરી પૂરી દેતા હોય છે.આમ અધ્યાપકો માટે બાયો મેટ્રિક સિસ્ટમ લાગુ કરીને કેમ્પસમાં સાત કલાક હાજર રહેવાનુ ફરજિયાત બનાવાયુ છે પણ કેટલાક અધ્યાપકોએ તેનો પણ રસ્તો કાઢી લીધો છે.આગામી દિવસોમાં અન્ય ફેકલ્ટીઓમાં પણ વાઈસ ચાન્સેલર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી છે.