વડોદરામાં અંગત અદાવતે બાઈક અને ઇકો કારમાં ઘસી આવેલી ભરવાડ ટોળકીનો દુકાન સંચાલક સહિત ત્રણ ઉપર જીવલેણ હુમલો
- તલવારનો ઘા વાગવાથી દુકાન સંચાલક ઘવાયો, કાકા અને મિત્રને પણ ડાંગ વડે ફટકાર્યા
વડોદરા,તા.26 ઓગસ્ટ 2023,શનિવાર
ગત સાંજે બિલ કેનાલ રોડ ઉપર કાર અને બાઈક ઉપર તલવાર, ડાંગ જેવા ઘાતકી હથિયારો સાથે ઘસી આવેલ ટોળકીએ અગાઉ થયેલ ઝઘડાની અદાવતે મોબાઇલની દુકાન ધરાવતા સંચાલક સહિત ત્રણ શખ્સો ઉપર જીવલેણ હુમલો કરી આતંક મચાવ્યો હતો. આ હુમલામાં ઘવાયેલ ત્રણેય શખ્સોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી તલવાર કબજે કરી છે. હુમલાખોરોએ સીસીટીવી તોડી નાખી, બે સોનાની વીંટી કાઢી લઈ કાઉન્ટરમાંથી રોકડા રૂ 46 હજારની લૂંટ ચલાવવા સાથે પુરાવો નષ્ટ કરવાના હેતુથી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા.
મળતી વિગતો અનુસાર,અટલાદરા કેનાલ રોડ ખાતે રહેતો વિકાસ સુરેન્દ્ર રાજપુત બિલ કેનાલ રોડ ઉપર આવેલ ડવ કોમ્પ્લેક્સમાં શિવમ મોબાઈલ નામની દુકાન ધરાવે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગતરોજ સાંજે છ વાગ્યાના સુમારે હું , મારા કાકા ભરતભાઈ પ્રધનાની તથા મારો મિત્ર વિનય મહેશ્વરી દુકાન ઉપર હાજર હતા. તે સમયે અર્જુન લક્ષ્મણ ભરવાડ, રણછોડ ભરવાડ સાથે 10 થી 12 જેટલા લોકો બાઈક તથા ઇકો કારમાં ઘસી આવ્યા હતા. અને મારી દુકાનમાં પ્રવેશી અર્જુન ભરવાડે મને કહ્યું હતું કે, 24 ઓગસ્ટના રોજ નારાયણ વાળી હોટલ પાસે કેમ માથાકૂટ કરી હતી. તેમ કહી અમારી સાથે ઝઘડો કર્યો હતો. અને મને જાનથી મારી નાખવાના ઇરાદે અર્જુન ભરવાડે તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં તલવારના વારથી બચવા હાથ આગળ કરતાં હાથના ભાગે ઇજા પહોંચી હતી. ત્યારે અન્ય શખ્સોએ મને ડાંગની લાકડી વડે ફટકાર્યો હતો. મારા કાકા સાથે પણ તેમણે ઝપાઝપી કરી મારા મિત્રને પણ ફટકાર્યો હતો.તે સમયે તેમણે મારા કાકાએ પહેરેલ સોનાની રૂ.90 હજાર કિંમત ધરાવતી બે વીટીઓ કાઢી લીધી હતી. અને સીસીટીવી કેમેરાની તોડફોડ કરી કેમેરાનું ડીવીઆર તથા વાઇફાઇ મોડેમ કાઢી લઈ ગયા હતા. જતા વખતે અર્જુન તથા રણછોડએ કાઉન્ટર માંથી રોકડા રૂ. 46 હજારની લૂંટ ચલાવી હતી.
ઉપરોકત ફરિયાદના આધારે માંજલપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઈપિસી 395, 397, 427, 450 તથા જીપીએક્ટ 135 મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.